Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

નોબલનગર : ઢોર પકડવા માટે ગયેલી ટુકડી ઉપર હુમલો થયો

કોર્પોરેશન-પોલીસ ટીમ પર હુમલાના બનાવ વધ્યાઃ ૩૦થી વધારે પશુપાલકો લાકડી-ધોકા વડે પોલીસ તેમજ કોર્પોરેશન કર્મચારીઓ પર તૂટી પડયા : વધુ તપાસ શરૂ

અમદાવાદ, તા.૩: શહેરમાં રસ્તે રખડતી ગાયોને પકડવા ગયેલી ટીમ અને પોલીસ પર અનેક વખત હિંસક હુમલા થયા હોવાની ઘટનાઓ ઘટી છે ત્યારે ગઇકાલે પણ નોબલનગર વિસ્તારમાં વધુ એક હુમલો ઢોર પકડવાની ટીમ પર થતાં ચકચાર મચી ગઇ છે. એક ગાયને પકડવાના મામલે ૩૦ કરતાં વધુ પશુપાલકો લાકડીઓ અને ધોકા વડે પોલીસ તેમજ કોર્પોરેશેનના અધિકારીઓ પર તૂટી પડ્યા હતા અને સરકારી ગાડીઓના કાચ તોડ્યા હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને એક તબક્કે વાતાવરણ તંગ બની ગયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા એમ.આર. પરમારે સરદારનગર પોલીસ સ્ટેશનમાં પશુપાલકો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ગઇકાલે રસ્તે રખડતાં ઢોર પકડવાની કામગીરી કરવા માટે પીએસઆઇ તેમની પોલીસ ટીમ અને કોર્પોરેશનની ટીમ સાથે મેમ્કોથી નોબલનગર વિસ્તારમાં ગયા હતા. દરમિયાનમાં નોબલનગર નંદીગ્રામ સોસાયટી પાસે ગાય પકડવાની કામગીરી કરતા હતા. ટીમ એક રસ્તે રખડતી ગાયને કોર્ડન કરીને તેને પકડવા જતી હતી તે સમયે એક પશુપાલક ભરતભાઇ ભરવાડ ત્યાં આવ્યો હતો અને આ ગાય અમારી છે, તમે કેમ કોર્ડન કરી છે તેમ કહીને ભરતભાઇએ બીભત્સ ગાળો બોલી હતી અને તેમનાં પરિવારજનોને બોલાવી દીધાં હતાં. થોડાક સમયમાં ત્યાં ભરતભાઇના તમામ સંબધીઓ સહિત ૩૦ કરતાં વધુ લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું અને પોલીસની ટીમ તેમજ કોર્પોરેશનની ટીમ પર હુમલો કરી દીધો હતો. પશુપાલકોએ લાકડીઓ અને ધોકા વડે પીએસઆઇ, એસઆરપી જવાન સહિત આખી ટીમ પર હુમલો કર્યો હતો તથા પથ્થરમારો પણ કર્યો હતો.  પશુપાલકોએ સરકારી ગાડીઓની પણ તોડફોડ કરી હતી. આ ઘટનાએ હિંસક રૂપ ધારણ કરી લેતાં પીએસઆઇએ તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જાણ કરી હતી. પોલીસ અને કોર્પોરેશનની ટીમ પર હુમલાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ઉશ્કેરાયેલાં ટોળાંઓને વેરવિખેર કરી દીધાં હતાં. પોલીસે આ મામલે ભરત, સત્તાભાઇ, હેમીબહેન, તેજલબહેન, કનુભાઇ, કાળુભાઇ, ગણપતભાઇ, શંકરભાઇ, વિજય, રસિકભાઇ ભરવાડ તેમજ બીજા ૧૯ કરતાં વધુ લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને થોડા સમય માટે વાતાવરણ તંગ બની જતાં સ્થાનિકોમાં દહેશત ફેલાઇ હતી.

(10:04 pm IST)