Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

નિયમનો સતત ભંગ કરનારના લાઇસન્સો રદ થવાની શક્યતા

૪૦ હજાર વાહનચાલકોના લાઇસન્સ પર તવાઈઃ ટ્રાફિક પોલીસ-આરટીઓ સત્તાવાળાઓના આવા કડક નિર્ણયના કારણે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ભારે પડી શકે

અમદાવાદ,તા.૩: વારંવાર ટ્રાફિકના નિયમોનું ધરાર ઉલ્લંઘન કરનારા વાહનચાલકોએ હવે ચેતી જવાની જરૂર છે, કારણ કે, જો વારંવાર ટ્રાફિક નિયમનોનું ઉલ્લંઘન કર્યું તો, આરટીઓ દ્વારા લાઇસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થશે. હાલના તબક્કે આવા વાહનચાલકોના કિસ્સામાં, શહેર ટ્રાફિક પોલીસે આરટીઓને અમદાવાદ શહેરના ૪૦ હજાર નાગરિકોના ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા માટે ભલામણ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે, જેને પગલે ભારે ચકચાર મચી ગઇ છે. આ બાબતને ગંભીરતાથી લઈને આરટીઓ આગામી સપ્તાહથી વાહનચાલકને એક વાર રૂબરૂ સાંભળવાની તક આપીને રજૂઆત સાંભળવા માટે આરટીઓ કચેરીમાં બોલાવશે. કોઈપણ વાહનચાલકને પાંચ વખત ઈ-મેમો મળ્યો હશે તો તેની ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરવાની કાર્યવાહી માટેની ભલામણ કરવામાં આવશે. ઈ-મેમોનો દંડ ભર્યો હોય કે ન ભર્યો હોય જે તે વાહનચાલકને પાંચ વખત હ્યુમન ગ્રાઉન્ડ પર આ તક આપવામાં આવશે, પરંતુ તેનાથી આગળ ચલાવી લેવામાં આવશે નહીં. દંડ ભરી દેવો તે એક માત્ર ઉપાય નથી, કોઈ પણ વ્યક્તિ અનેક વખત કાયદાના નિયમોનો ભંગ કરીને દંડ ભરી દે તેથી તે કાયદાની જોગવાઈમાંથી છટકી શકતો નથી. ટ્રાફિક વિભાગના એસીપી સુરેશ પટેલે જણાવ્યું હતું કે, જોખમી ડ્રાઇવિંગ કરનારા અને વારંવાર ગુના આચરનારા વાહનચાલકો સામે અવારનવાર કેસ કરી દંડ વસૂલાય છે, પરંતુ તેની પણ એક મર્યાદા રહે છે. મોટર વ્હીકલ એકટની કલમ ૧૯(એફ) અંતર્ગત આવા વાહનચાલકોના લાઇસન્સ રદ્દ કરવા કે સસ્પેન્ડ કરવાની સત્તા આરટીઓ પાસે છે તેથી આરટીઓને આ માટે ભલામણ કરવામાં આવી છે. આવા કેસોની સંખ્યા ૪૦,૦૦૦ જેટલી છે. આ અંગે આરટીઓ-અમદાવાદ એસપી મુનિયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ જુદા જુદા કારણસર આ વર્ષમાં કુલ ૩૪૦ ડ્રાઇવિંગ લાઈસન્સ રદ કરવામાં આવ્યા છે. ટ્રાફિક વિભાગ દ્વારા અમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવાની ભલામણ કરવામાં આવી છે. તેથી કેટલાક વાહનચાલકોને તેમનું ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કેમ ન કરવું તેવી નોટિસો પાઠવી દેવાઈ છે અને તેમને આ બાબતે ખુલાસા માટે આગામી સપ્તાહથી વાહનચાલકોને રૂબરૂ સાંભળવામાં આવશે. ત્યારબાદ ડ્રાઇવિંગ લાઇસન્સ લાયસન્સ રદ કરવું કે નહીં તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. પાંચ વખત કાયદાનો ભંગ કરે તો લાઈસન્સ રદના નિયમનો અમલ અમદાવાદ આરટીઓએ વર્ષ ર૦૧૬થી શરૂ કરી દીધો છે. અમદાવાદ આરટીઓએ વર્ષ ર૦૧૬માં પણ આવા ૩૦૦થી વધુ વાહનચાલકોના લાઈસન્સ રદ કર્યાં હતાં. સસ્પેન્ડ થયેલા અથવા રદ થયેલાં ડ્રાઇવિંગ લાઇસન્સની સારથિ–૪ સોફટવેરમાં નોંધ કરવામાં આવશે એટલું જ નહીં ગુજરાત બહારની આરટીઓ માગણી કરે તો સારથિ–૪માંથી લાઇસન્સ અંગે માહિતી પણ આપવામાં આવશે. તેથી હવે એક વાર વાહનચાલક કે માલિકનું લાઇસન્સ રદ થશે તો તે તે અન્ય આરટીઓમાં અરજી કરીને નવું લાઇસન્સ મેળવી શકશે નહીં. ટ્રાફિક પોલીસ અને આરટીઓ સત્તાવાળાઓના આવા કડક નિર્ણયના કારણે વાહનચાલકો માટે હવે ટ્રાફિક નિયમનોનું ઉલ્લંઘન ભારે પડી શકે તેમ છે.

(10:01 pm IST)