Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

આણંદમાં કલેક્ટર કચેરીની બહાર જમીનની તકરારમાં યુવાને કેરોસીન છાંટ્યું

આણંદ:ની કલેકટર કચેરીએ આજે સાંજના સુમારે આંકલાવ તાલુકાના ખડોલ (હ)ગામે રહેતા એક યુવાને જમીનની તકરારમાં શરીર પર કેરોસીન છાંટીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. શહેર પોલીસે તેની ૧૫૧ હેઠળ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર ખડોલ (હ)ગામે રહેતા વિઠ્ઠલભાઈ શંકરભાઈ વાઘેલાના દાદીનું પીયર વલાસણ ગામે થાય છે. જ્યાં તેના ભાગે આવેલી જમીન પણ પિયર મોસાળ પક્ષના રમણભાઈ સોમાભાઈ તથા બબુભાઈ મોતીભાઈ ચૌહાણ દ્વારા વેચી મારવામાં આવી હતી જે અંગે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. જે અંગે તંત્રમાં રજૂઆત કરતાં તંત્ર દ્વારા કોર્ટમાં કેસ ચાલતો હોય આગળ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેથી તેણે એક મહિના પહેલાં આણંદની કલેક્ટર કચેરીએ આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી અને ભુગર્ભમાં ઉતરી ગયો હતો. 
દરમ્યાન આજે સાંજના સાડા ચારેક વાગ્યાના સુમારે તે આણંદની કલેક્ટર કચેરીએ આવી ચઢ્યો હતો અને ડબલામાંથી શરીર પર કેરોસીન છાંટીને દિવાસળી ચાંપવા જતો હતો ત્યારે ત્યાં હાજર કલેક્ટરના ગાર્ડ અને અરજદારોએ દોડીને તેને પકડી લીધો હતો અને તેને કલેક્ટર સમક્ષ લઈ જવામાં આવ્યો હતો જ્યાં કલેક્ટરે તેની પુછપરછ કરતાં મામાની મિલકતમાં ભાગ લેવા કોઈ ફરિયાદ કે પ્રાંત કક્ષાએ રજૂઆત કરી છે કે કેમ તે અંગે વિઠ્ઠલભાઈ વાઘેલાએ ‘ના’નો જવાબ આપ્યો હતો. જેથી તુરંત જ શહેર પોલીસને જાણ કરતાં પોલીસ પણ આવી ચઢી હતી અને તેને પકડીને શહેર પોલીસ મથકે લઈ ગઈ હતી જ્યાં તેના વિરૂદ્ઘ ૧૫૧ હેઠળ કાર્યવાહી હાથ ઘરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કોઈપણ જાતની જાણ કર્યા વગર વિઠ્ઠલભાઈ વાઘેલાએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે ખિસ્સામાં રાખેલી દિવાસળી પણ કેરોસીન પડવાને કારણે ભીની થઈ ગઈ હોય સળગી નહોતી જેના કારણે તેનો બચાવ થવા પામ્યો હતો.

(5:32 pm IST)