Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

મોગરની સીમમાં અજાણ્યા શખ્સોએ વૃદ્ધની ચપ્પુના ઘા જીકી હત્યા કરતા અરેરાટી

મોગર: ગામની સીમમાં ગઈકાલે રાત્રીના સુમારે આણંદમાં ફાયનાન્સનો ધંધો કરતા વાસદના વૃદ્ઘની કોઈ અજાણ્યા શખ્સોએ કારમાં જ ચપ્પાના ઘા મારીને કરપીણ હત્યા કરી નાંખતા સમગ્ર આણંદ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વાસદ પોલીસે આ અંગે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર વાસદના મનોર ટેકરા પાસે રહેતા સોમાભાઈ ઈશ્વરલાલ ઠક્કર આણંદની જીપીઓ સામે આવેલા ડી. કે. શોપીંગ સેન્ટરમાં છેલ્લાં પંદર વર્ષથી ફાયનાન્સનો ધંઘો કરે છે. તેઓ વાસદથી આણંદ અવર-જવર માટે ઈન્ડિકા કાર રાખે છે. ગઈકાલે રાત્રીના તેઓ પોતાની શ્રોફની ઓફિસેથી ઈન્ડિકા કાર નંબર જીજે-૨૩, એએફ-૬૮૭૭માં સવાર થઈને વાસદ જવા નીકળ્યા હતા. કાર મોગર ગામની સીમમાં બીટ્ટુ હોટલ સામેથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ તેમની કારને આંતરીને ઊભી રખાવી હતી. બાદમાં ચપ્પા લઈને તૂટી પડ્યા હતા અને ગળા, છાતી તેમજ પીઠના ભાગે ૧૦ થી ૧૫ જેટલા ઘા મારી દેતાં સોમાભાઈ લોહીલુહાણ હાલતમાં સીટ ઉપર જ ઢળી પડ્યા હતા અને પળવારમાં જ મોતને ભેટ્યા હતા. ઘાતકી હત્યા કર્યા બાદ હત્યારાઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. 

(5:31 pm IST)