Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ખેડા જિલ્લાના ડાકોરમાં કારના ડ્રાઈવરનું ટ્રેનની હડફેટે કમકમાટી ભર્યું મોત

ખેડા: જિલ્લાના ડાકોર ખાતે મધ્ય ગુજરાત ભાજપાની આજે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ સમીક્ષા બેઠકમાં દાહોદ આદિજાતિ મોરચાના પ્રમુખની ગાડીના ડ્રાઈવરનું મેમુ ટ્રેનની અડફેટે આવી જતા મોત નીપજ્યું હતું. 
આગામી ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. જેના સંદર્ભમાં આજે ડાકોર ખાતે આદર્શ રીસોર્ટમાં મધ્ય ગુજરાતની ભાજપાની છ લોકસભા બેઠકોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ સમીક્ષા બેઠકમાં હાજરી આપવા છ લોકસભા વિસ્તારના ભાજપાના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં આવ્યા હતા. જેમાં દાહોદ જિલ્લાના આદિવાસી મોરચાના પ્રમુખ સુનિલભાઈ હઠીલા હોદ્દેદારો કાર્યકરો સાથે પોતાની ગાડી લઈને આવ્યા હતા. આદિવાસી મોરચાના પ્રમુખ અને કાર્યકરોને બેઠકના સ્થળે ઉતારી કાર ડ્રાઈવર ગાડી પાર્ક કરી સામેથી પસાર થતા રેલવે ટ્રેક પરથી મોબાઈલ ઉપર વાતચીત કરતા જઈ રહ્યો હતો ત્યારે મોબાઈલ ફોનમાં વ્યસ્ત હોઈ ધસમસતી આવતી દાહોદ મેમુ ટ્રેનની અડફેટે આવી જતા ગાડીના ડ્રાઈવર મહેશભાઈ રમુભાઈ તડવી (ઉં. ૩૫ વર્ષ) રે. પારેવા તા. દાહોદ)નું અડફેટે આવી જતાં કપાઈ જતા મોત નીપજ્યું હતું. 
આ બનાવ અંગે આણંદ રેલવે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:30 pm IST)