Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

સિંહ મોત કેસમાં સરકારના વલણને લઇ હાઇકોર્ટ ખફા

સિંહોના મોતને લઇ હાઇકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી : સરકારની ગંભીર નિષ્ક્રિયતાના મામલે હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવી : સિંહના મોત મુદ્દે સરકારનો લુલો બચાવ

અમદાવાદ,તા.૩ : ગીર પંથકમાં દલખાણીયા અને જસાધાર રેન્જમાં ૨૧ સિંહોના મોતના મામલાના ચકચારભર્યા પ્રકરણમાં આખરે ગુજરાત હાઇકોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે અને રાજય સરકારની ગંભીર નિષ્ક્રિયતા અને ઉદાસીન વલણને લઇ હાઇકોર્ટે સરકારને જોરદાર ફટકાર લગાવી હતી. હાઇકોર્ટે આટલા બધા સિંહોના મોતને લઇ હાઇકોર્ટે ભારે ચિંતા અને સંવેદના વ્યકત કર્યા હતા. જો કે, બીજીબાજુ, લાલઘૂમ થયેલી હાઇકોર્ટનો મિજાજ ઠારવા રાજય સરકાર તરફથી ખાતરીપૂર્વકની હૈયાધારણ આપવામાં આવી હતી કે, સિંહોના મોત મામલે સરકાર ખૂબ જ ગંભીર છે અને તેમના જતન અને રક્ષણ માટે કોઇપણ પ્રકારની કચાશ રાખવામાં આવશે નહી. સાથે સાથે ગીરમાં વાઇરસના કારણે સિંહોના મોત થયો હોવાનો બચાવ પણ સરકાર દ્વારા હાઇકોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. સિંહોના મોત મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટકોર કરાઇ હતી કે,  લાયન શો બતાવવા માટે મરઘી પીરસાતાં તેમાં વાઇરસ પણ મારણમાં ખાતાં સિહોના મોત થયા હોવાની શક્યતા છે. હાઈકોર્ટ ગેરકાયદેસર લાયન શો અને સિંહોની પજવણીના મુદ્દે પણ હાઇકોર્ટે ગંભીર નારાજગી વ્યકત કરી હતી અને આ મામલે સરકારને સાફ શબ્દોમાં ચેતવણી આપી હતી. સરકારપક્ષ તરફથી હાઇકોર્ટમાં બચાવ કરાયો હતો કે, સિંહોએ કરેલા શિકારમાં મરેલા પશુઓના શરીરમાં રહેલા વાઈરસના કારણે ઈન્ફેક્શન લાગ્યાનું પ્રાથમિક તારણ છે. સિંહોના મોત માટે વાઈરસ જવાબદાર છે. જો કે, હાઇકોર્ટે સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ ભારે અસરકારકતા સાથે પરિણામલક્ષી કામગીરી કરવા રાજય સરકારને કડક તાકીદ કરી હતી અને કેસની વધુ સુનાવણી આગામી સોમવાર પર મુકરર કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગીરના સિંહોમાં અને ખાસ કરીને ગીર પૂર્વ વન વિસ્તારમાં સિંહોને પ્રોટોઝોઆ ઈન્ફેક્શન જોવા મળતા વન અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. જૂનાગઢની વેટરનરી કોલેજના આ રિપોર્ટ પ્રમાણે ટીક્સથી ફેલાતો પ્રોટોઝોઆ ઈન્ફેક્શન સિંહની ઈમ્યૂન સિસ્ટમ પર અસર કરે છે અને લોહીના રક્તકણોને તોડી નાખે છે. આ એક કોષીય સજીવ અમીબા છે. પ્રોટોઝોઆના રિપોર્ટ પછી કદાચ એ સિંહોની નબળી પડેલી ઈમ્યૂન સિસ્ટમને ફરીથી જનરેટ કરવા એ સિંહોને ઈટાવા અને દિલ્હી ઝૂથી આવેલા ડોક્ટરોની ટીમ દ્વારા વેક્સિનેશન કરવામાં આવે તેવી શક્યતા છે. અમેરિકાથી પણ વેક્સિન મંગાવી છે.

બીજી એક નોંધનીય વાત એ પણ સામે આવી છે કે, રેસ્ક્યુ સમયે સિંહને જે ઇન્જેક્શન આપી બેભાન કરવામાં આવે છે અને તેને સારવાર અને રિપોર્ટ કરવામાં આવે છે, ત્યારે રેસ્ક્યુ સમયે અપાતા ઇન્જેક્શનનો ડોઝ વધી જાય તો પણ સિંહ માટે ખતરો પેદા થતો હોય છે અને સારવારમાં આવા ઇન્જેક્શનથી તેની શક્તિમાં ઘટાડો પણ થતો હોય છે.

(8:23 pm IST)