Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

'તમારો મૃત ભાઇ બુટલેગર હતો એટલે વીમાના ૨૫ લાખ ન મળે'

ગ્રાહક સુરક્ષા કોર્ટે પણ કંપનીના નિર્ણયને ઠેરવ્યો યોગ્ય

અમદાવાદ તા. ૩ : અમદાવાદના મોટેરા નજીક આવેલ છારાનગરમાં રહેતા પપ્પુ રાઠોડે પોતાનો વીમો લીધો હતો. જેમાં તેના કુદરતી અથવા અકમસ્માત મૃત્યુ પર રુ. ૨૫ લાખ તેના પરિવારજનોને મળવાપાત્ર હતા. જોકે ૨૪ નવેમ્બર ૨૦૧૪ના રોજ રાઠોડ હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામ્યો હતો. જે બાદ તેના ભાઈએ વીમાની રકમ માટે ઇન્સ્યોરન્સ કંપનીનો સંપર્ક કરતા કંપનીએ કહ્યું કે, 'તમારો ભાઈ બુટલેગર હતો માટે તમને વીમાની રકમ ન મળે.'

પપ્પુ રાઠોડ મૃત્યુ પામ્યો તેના ત્રણ જ મહિના પહેલા તેણે અવિવા લાઈફ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી આ ૩૫ વર્ષની મર્યાદાનો વીમો લીધો હતો. આ માટે તેણે પહેલા વર્ષનું પ્રીમિયમ રુ.૪,૨૩૪ પણ ભર્યું હતું. જેમાં નોમીની તરીકે તેણે પોતાના ભાઈ અરવિંદ રાઠોડનું નામ રાખ્યું હતું. જેથી તેણે પપ્પુ રાઠોડના મૃત્યુ બાદ ઇન્સ્યોરન્સ માટે કલેમ કર્યો હતો. જોકે કંપનીએ માર્ચ ૨૦૧૫માં એમ કહીને કલેમ નકારી કાઢ્યો હતો કે રાઠોડ એક બુટલેગર હતો અને તેની સામે સાબરમતિ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ હેઠળ ઘણા ગુના નોંધાયા છે.

જેથી રાઠોડનો ભાઈએ ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ સમિતિ સામે વીમા કંપની વિરુદ્ઘ ફરિયાદ કરી હતી. જેના જવાબમાં કંપનીએ કમિશનને જણાવ્યું કે કલેમ પાસ કરવા માટે તેમના દ્વારા કરવામાં આવેલ તપાસમાં જાણવા મળ્યું કે રાઠોડ તો ગેરકાયદેસર દારુના વેપાર સાથે સંકળાયેલ હતો અને તેણે વીમો લેતી વખતે પોતાને ખોટી રીતે એક સીઝનલ વસ્તુના વેપારી તરીકે દર્શાવ્યો હતો.

કંપનીએ કહ્યું કે વીમો લેતી વખતે પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં તેમણે સાચી માહિતી કંપનીથી છૂપાવી હતી. વીમો લેતી વખતે તેણે જાહેર કર્યું હતું કે તેની સામે કોઈ ગુના અંગે ફરિયાદ નથી. પરંતુ જયારે તપાસ કરવામાં આવી ત્યારે સાબરમતી પોલીસને પણ તેના જૂના જૂના કેસ માટે ૨ દિવસ જેટલો સમય લાગ્યો હતો. તેમજ તપાસ અધિકારીને તેમના પડોશીઓએ પણ કહ્યું હતું કે રાઠોડને દારૂ પીવાની આદત હતી.

કંપનીએ કહ્યું કે, આ રીતે રાઠોડે વીમો લેતી વખતે માહિતી છૂપાવી હતી જે ઇન્સ્યોરન્સ કંપનીની પોલીસીની શરતભંગ છે. તેમજ તેની દારુ પીવાની ટેવના કારણે જ મોત થયું હોય તેવી શકયતા પણ નકારી શકાય નહીં. જેથી કેસની સમગ્ર હકીકત જાણ્યા બાદ ગ્રાહક સુરક્ષા કોર્ટે પણ અરજીકર્તાની અપીલ ઠુકરાવી દીધી હતી અને વીમા કંપનીના નિર્ણયને યોગ્ય જણાવ્યો હતો.(૨૧.૨૦)

(4:06 pm IST)