Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ગુજરાત હાઇકોર્ટમાં ફિલ્મી ડ્રામા

ભાઇ-બહેનનો પ્રેમ જોઇને ફરીથી એક થઇ ગયા પેરેન્ટ્સ

અમદાવાદ તા. ૩ : ગુજરાત હાઈકોર્ટમાં સોમવારના રોજ એક કેસની સુનાવણી દરમિયાન ભાઈ-બહેન વચ્ચેના પ્રેમે ત્યાં હાજર દરેક વ્યકિતનું ધ્યાન ખેંચ્યુ. આ ભાઈ-બહેન પોતાના માતા-પિતાના છૂટાછેડાના કેસની સુનાવણીમાં તેમની સાથે કોર્ટ આવ્યા હતા.

ભાઈ-બહેનનો પ્રેમ જોઈને જજે તેમના માતા-પિતાને સાથે રહેવાનો આદેશ આપ્યો જેથી શુભમ(૧૦) તેની બહેન તન્વી(૭) સાથે રહી શકે. ઉલ્લેખનીય છે કે શુભમ અત્યારે તેના પિતા સાથે અને તન્વી(૭) તેની માતા સાથે રહે છે. જો માતા-પિતાના છૂટાછેડા થાય તો આ બન્ને ભાઈ-બહેન હંમેશા માટે અલગ થઈ જાય. કોર્ટે આ કપલ અને તેમના પરિવારના સભ્યોને વિનંતી કરી કે આ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ ખાતર તમારી લડાઈને ભુલી જાઓ અને હળીમળીને સાથે રહો.

૪૫ મિનિટ સમજાવ્યા પછી જસ્ટિસ જે.બી.પારડીવાલાએ કપલને નવું જીવન શરુ કરવા માટે રાજી કરી લીધા. પતિએ કોર્ટને વચન આપ્યું કે તે પોતાની દીકરી અને પત્નીને ૫ ઓકટોબરના રોજ ઘરે લઈ જશે અને ૮મી ઓકટોબરના રોજ કોર્ટને રિપોર્ટ કરશે. કેસની ડીટેલ્સ અનુસાર, નિમિષા સોલંકી નામની મહિલાએ તેના પતિ કલ્પેશ પરમાર સાથે છૂટાછેટા માંગતી અરજી પાટણમાં આવેલી રાધનપુર કોર્ટમાં ફાઈલ કરી હતી. તે પોતાની દીકરીને લઈને અમદાવાદ પોતાના પિયર આવી ગઈ હતી.

મિનિષાનો દાવો છે કે તેને સાસરીમાં દહેજ બાબતે પ્રતાડિત કરવામાં આવતી હતી. કેસ બાબતે અવારનવાર દીકરીને લઈને રાધનપુર જવામાં મુશ્કેલી થતી હોવાને કારણે મિનિષાએ હાઈ કોર્ટમાં અરજી કરીને કેસને અમદાવાદ ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી. સુનાવણી દરમિયાન કોર્ટને લાગ્યું કે પતિ-પત્ની વચ્ચે નાની-નાની બાબતોને કારણે લડાઈ થાય છે. અને સાસુ-વહુ વચ્ચેના મતભેદ એ સૌથી કોમન કારણ હોય છે. મહિલા અને તેનો પતિ કોર્ટના કહેવા રાજી તઈ ગયા અને તેના પતિએ પણ લગ્નજીવનની નવી શરુઆત કરવાની તૈયારી દર્શાવી.(૨૧.૫)

 

(11:48 am IST)