Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ખાદી ગ્રામોદ્યોગ ભવન અને મ્યુઝિયમનો શિલાન્યાસ થયો

અમદાવાદમાં ૧૯ કરોડના ખર્ચે ભવ્ય નિર્માણઃ ગાંધી ટ્યુરિઝમ સર્કિટ વિકસાવવાનો રાજ્ય સરકારે ધ્યેય રાખ્યો છે : ખાદી માત્ર વસ્ત્ર નથી : વિજય રૂપાણીનો મત

અમદાવાદ, તા. ૨: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગાંધી એ વ્યક્તિ નહીં વિચાર છે. સત્ય, અહિંસા, સ્વાવલંબન જેવા એમના વિચારો આજના સમયમાં અત્યંત પ્રસ્તુત છે. વિજય રૂપાણીએ અમદાવાદમાં રૂપિયા ૧૯ કરોડના ખર્ચે નિર્માણ થનારા ખાદી ગ્રામોદ્યોગ ભવન અને ખાદી મ્યુઝિયમનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે કહ્યું હતુ ંકે, ગાંધીજીએ દેશને અહિંસક લડતથી આઝાદી અપાવી પરંતુ કમનસીબે આઝાદી પછીના શાસકોએ એક જ પરિવારના ગુણ ગાન ગાઈને ગાંધીજીને ભુલાવી દીધા હતા. એટલું જ નહીં દલિતોના ઉત્કર્ષ માટે કાર્યરત ડો. આંબેડકર, વીર સાવરકર, સરદાર સાહેબને પણ ભુલાવી દેવાના પ્રયાસો થયા તેની તેમણે આલોચના કરી હતી. તેમણે ઉમેર્યું છે કે, નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ ગાંધી સરદાર સહિત વિરલ વિભૂતિઓનું ગૌરવ પ્રસ્થાપિત કર્યું છે. મુખ્યમંત્રીએ ગુજરાતમાં ખાદી વણાટના ગ્રામીણ પરિવારોને પ્રોત્સાહન માટે રાજ્ય સરકારે અંબર ચરખા સહિતની જે સહાય આપી છે તેની ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ખાદીમાં હવે નવા સંશોધનથી નવા જમાનાને અનુરુપ વધુને વધુ વસ્ત્ર પરિધાન તૈયાર થઇ શકે તે માટે ખાદી મ્યુઝિયમમાં રીસર્ચ હાથ ધરાય તે જરૂરી છે. સાથે સાથે યુવાનો પણ ખાદી પહેરવા પ્રેરાય તેવા પ્રયાસો સમયની માંગ છે. રાજ્યમાં ખાદી વપરાશનો વ્યાપ વધે તે હેતુસર જાહેર કરાયેલા ૨૦ ટકા વિશેષ વળતરની પણ તેમણે વિગતો આપી હતી. મુખ્યમંત્રીએ ગાંધીજી અને સરદાર સાહેબના જીવન-કવન અને કાર્યોને વિશ્વ સમક્ષ મુકવા આ ૧૫૦મી ગાંધી જ્યંતિની ઉજવણી અને એકતાના શિલ્પી વિરાટ પ્રતિભાની વિરાટ પ્રતિમા સરદાર સરોવર ડેમ પર નિર્માણ કરી નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદીની સરકારે જે સન્માન-આદર આપ્યા છે તેની પણ વિસ્તૃત છણાવટ કરી હતી.

(9:56 pm IST)