Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

અમદાવાદ સાબરમતી આશ્રમના ગાંધી ગુગલમાં અવનવા પ્રશ્નો પૂછતા લોકોઃ ૧૦ વર્ષના બાળકથી માંડીને ૯૦ વર્ષના વૃદ્ધ પણ પ્રશ્ન પૂછે છે

અમદાવાદઃ ‘દુનિયામાં તમે જે પરિવર્તન જોવા માંગો છો તેની શરૂઆત તમે પોતે જ કરો’, ગાંધીજીના નામે સૌથી વધારે ક્વોટ થયેલુ આ વાક્ય શું ખરેખર ગાંધીજીનું જ છે? ગાંધીજીએ બકરીનુ દૂધ પીવાનો પ્રયોગ ક્યારે શરૂ કર્યો? ગાંધીજીના પૌત્રો-પ્રપૌત્રો શું કરે છે? સાબરમતી આશ્રમના આર્કાઈવ અને લાઈબ્રેરી જેને ગાંધી ગૂગલમાં આખી દુનિયામાંથી લોકો આવા ચિત્ર-વિચિત્ર સવાલો પૂછીને મોકલાવે છે. આ લાઈબ્રેરીમાં દરરોજ લગભગ 90 જેટલા દેશોમાંથી 25 જેટલી ક્વેરી આવે છે.

સાચો જવાબ આપવાની કોશિશઃ

ગાંધી હેરિટેજ પોર્ટલના સેક્રેટરી કિન્નરી ભટ્ટ જણાવે છે કે 10 વર્ષના બાળકોથી માંડીને 90 વર્ષના વૃદ્ધ સુધી અનેક લોકો અમારા પોર્ટલ પર આવા સવાલો મોકલાવે છે. “અમારા સંગ્રહ સ્થાનમાં 1 લાખ કરતા વધુ પેજીસ છે અને દરરોજ નવા નવા ઉમેરાતા જાય છે. અમુક વિગતો ઓનલાઈન સરળતાથી મળી જાય છે. અમે વિવિધ સોર્સ ચેક કરીને એકદમ સાચી માહિતી મેળવવાની કોશિશ કરીએ છીએ અને ગાંધીજીના જીવન વિષે પૂછાતા સૌથી જટિલ પ્રશ્નોના જવાબ આપવાની કોશિશ કરીએ છીએ. અમારો પ્રયત્ન સાચી માહિતી પૂરી પાડવાનો હોય છે.”

ગાંધીજી વિષે જાણવાની ઉત્સુકતા બરકરારઃ

સાબરમતી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ જણાવે છે, આજે વિશ્વ ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવવા જઈ રહ્યું છે પરંતુ તેમના જીવન વિષે જાણવાની ઉત્સુકતામાં ક્યારેય ઓટ નથી આવી. 2000માં સંશોધકો માટે લેટર સર્વિસ શરૂ કરાઈ હતી પરંતુ હવે મોટા ભાગના પ્રશ્નો આશ્રમના પોર્ટલના ઈમેઈલ પર ઓનલાઈન જ આવે છે.

આવા પણ પ્રશ્નો પૂછે છે લોકોઃ

તાજેતરમાં આશ્રમમાં એક વિચિત્ર ક્વેરી આવી હતી. બિહારના એક માણસે તાજેતરમાં ગામડાની એક શાળાની મુલાકાત લીધી હતી. તે જાણવા માંગતો હતો કે એ શાળાનો શિલાન્યાસ ખરેખર બાપુએ કર્યો હતો કે નહિં. એ રીતે વિદેશનો એક પરિવાર જાણવા માંગતો હતો કે તેમના કોઈ રેકોર્ડમાં તેમના પરદાદા સ્વતંત્રતાની ચળવળ દરમિયાન ગાંધીજીને મળ્યા હોવાનો ઉલ્લેખ છે કે નહિ. વિદેશના ઘણઆ વિદ્યાર્થીઓ ઈન્ડિયન ઓપિનિયન અથવા યંગ ઈન્ડિયામાં છપાયેલા બાપુના આર્ટિકલ્સ પોતાના ડિજિટલ રેકોર્ડ માટે પણ મંગાવે છે.

(5:15 pm IST)