Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ગાંધીનગર નજીક ચિલોડા સર્કલ પાસે રાજસ્થાન જવા માટે ઉભેલા યુવાનને છેતરી બે ગઠિયા રોકડ સહીત મોબાઈલ તફડાવી છૂમંતર.....

ગાંધીનગર: શહેર નજીક ચિલોડા સર્કલ પાસે રાજસ્થાન જવા માટે ઉભેલા યુવાનને છેતરી બે ગઠીયાઓ કાગળ ભરેલું બોક્સ પધરાવી રોકડ રૂપિયા અને મોબાઈલ ભરેલો થેલો લઈ રફુચક્કર થઈ ગયા હતા. જે સંદર્ભે ચિલોડા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ એલસીબીની ટીમે ચિલોડા દહેગામ રોડ ઉપરથી ગઠીયાને ઝડપી લીધો હતો. જેની પાસેથી મોબાઈલ પણ કબ્જે લેવામાં આવ્યો હતો. સાગરીત સાથે મળીને તેણે કારસ્તાન કર્યાની કબુલાત કરી હતી

ગાંધીનગરના સે-ર૩ની હોસ્પિટલમાં કામ કરતાં અને મુળ બિચ્છુવાડા રાજસ્થાનનો યુવાન સત્યનારાયણ મોહનલાલ ખરાડી તા.૧૪ જુલાઈના રોજ તેના વતન જવા માટે ચિલોડા પહોંચ્યો હતો અને ત્યાં બસની રાહ જોઈને ઉભો હતો. સમયે એક શખ્સ તેની પાસે આવ્યો હતો અને કહયું હતું કે ઉદેપુર જવાની બસ કયાં મળશે. યુવાન અને સત્યનારાયણ વાતચીત કરતાં હતા તે દરમ્યાન અન્ય એક શખ્સ પણ ત્યાં આવ્યો હતો અને કહયું હતું કે મારી પાસે ભાડુ નથી અને શેઠ સાથે ઝગડો કરીને આવ્યો છું. પરંતુ મારી પાસે એક બોકસ છે જેમાં શું છે તેની મને ખબર નથી. જેથી અન્ય યુવાને કહયું હતું કે હું અને સત્યનારાયણ તારુ ભાડુ આપી દઈશું. ત્યારબાદ આગળ જતાં બ્રીજના છેડે સત્યનારાયણને બોકસ આપયું હતું અને તે ખોલીને જોવા કહયું હતું. જેથી દુર જઈને તેણે બોકસ ખોલ્યુ હતું અને તેનો થેલો ગઠીયાઓ પાસે હતો. બોકસ ખોલીને જોતાં તેમાં કાગળ ભરેલા હતા અને યુવાન પરત દોડીને આવ્યો ત્યારે ગઠીયાઓ ૧૧પ૦૦ રોકડા, એટીએમ કાર્ડ, પાસબુક અને મોબાઈલ ફોન ભરેલો થેલો લઈને પલાયન થઈ ગયા હતા. જે સંદર્ભે ચિલોડા પોલીસે ગુનો નોંધ્યા બાદ ગાંધીનગર એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ સ્ટાફના માણસોને ગુનો ઉકેલવા તાકીદ કરી હતી. દરમ્યાનમાં એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન એએસઆઈ હજારીસીંહ અને હેકો.ભવાનસિંહની બાતમીના પગલે ચિલોડા દહેગામ રોડ ઉપરથી નરોડાના સુનિલ જયંતિભાઈ ઠાકોરને ઝડપી પાડયો હતો અને તેની પાસેથી મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યો હતો. તેના મિત્રો અંકેશ રાકેશ ગારંગેની મદદથી યુવાનને છળકપટથી લુંટયો હોવાની કબુલાત કરી હતી

(6:04 pm IST)