Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજની મંજુરી માટે ડમી દર્દીઓ સુવડાવી ઇન્સ્પેકશનમાં આવેલા અધિકારીઓને ગેર માર્ગે દોરાયા..??!

અમારા પ્રતિનિધિ એ કરેલા સ્ટિંગ ઓપરેશનમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓને ડમી દર્દી તરીકે બેડ પર સુવડાવી હોવાનું જાણવા મળ્યું: ડમી દર્દીઓનાં હાથમાં લગાવેલી વેઇન્ફ્લો માં પટ્ટી કઢાવીને જોતા અંદર સોઈ જ ન હતી માત્ર અધિકારીઓને ગેર માર્ગે દોરવા નાટ્યાત્મક ખેલ ખેલાયો હોય તેમ જોવા મળ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : બે દિવસ અગાઉ જ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલી 103 વર્ષ જૂની સિવિલ હોસ્પિટલને સ્થળાંતર કરીને વડીયા પેલેસ ખાતે આવેલ આયુર્વેદિક કોલેજના નવા બિલ્ડિંગમાં લઈ જવામાં આવી હોવાના સમાચાર તંત્ર તરફથી જાહેર કરવામાં આવ્યા હતા અને હવેથી જનરલ હોસ્પિટલને GMERS સાથે એટેચ કરી દેવાઈ હોવાથી આ હોસ્પિટલ "મેડિકલ કોલેજ સનલગ્ન GMERS હોસ્પિટલ તરીકે ઓળખાશે અને ત્યાં દર્દીઓ ને અધ્યતન સુવિધાઓ મળશે એવી જાહેરાત જનરલ હોસ્પિટલ ના સિવિલ સર્જન જ્યોતિ ગુપ્તા દ્વારા કરવામાં આવી હતી.
જેમાં મળતી માહિતી મુજબ ગાંધીનગરથી મેડિકલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા  GMERS હોસ્પિટલ સનલગ્ન મેડિકલ કોલેજને મંજૂરી આપવા બાબતે હોસ્પિટલમાં ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ અને આધારભૂત સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી હતી કે હોસ્પિટલમાં પૂરતા દર્દીઓ આવી રહ્યા છે અને એડમિટ થાય છે, એવું ચિત્ર ઉપસાવવા રાજપીપળા નજીક આવેલ સરકારી સ્કૂલ ઓફ નર્સિંગ જીતનગર ની 29 જેટલી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓને દર્દી બનાવી હોસ્પિટલ ના 4 અલગ-અલગ વોર્ડ મા સુવડાવી દેવામાં આવ્યાનો ઘટસ્ફોટ થયો છે.
 આમારા પ્રતિનિધિ દ્વારા GMERS હોસ્પિટલમા સત્યતાની તપાસ કરવા જતા હોસ્પિટલના ત્રીજા માળે 2F મહિલા સર્જીકલ વોર્ડમા એક સરખી વયની 11 જેટલી યુવતીઓ હોસ્પિટલ ના બેડ ઉપર સુતેલી જોવા મળી હતી, તેમને પૂછતાં તેમને પોતાની ઓળખ જીતનગર સરકારી નર્સિંગની વિદ્યાર્થીની તરીકે આપી હતી, તેમને પૂછ્યું કે શા માટે દાખલ થયા છો? તો તેમના તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો,  હાથ ઉપર પટ્ટીઓ શેની મારી છે તેમ પૂછતાં તેમણે મૌન ધારણ કરી લીધું હતું ફરજ પર હાજર વોર્ડ નર્ષ ને બોલાવી પટ્ટી કાઢી બતાવવાનું જણાવતા ત્યાં દરેકના હાથે માત્ર શોભાની પટ્ટી હોવાનું અને વેઈનફ્લો માં સોઈ ન હોવાનું ભાંડો ફૂટ્યો હતો.
એજ રીતે 2F 96 નં રૂમ  ENT વોર્ડ મા પણ એક સરખી વય ની 10 જેટલી યુવતીઓ દર્દી ના બેડ ઉપર સુતેલી હોવાનું જણાયું હતું, તેમને પૂછતાં તેમણે પણ તેઓ જીતનગર નર્સિંગ કોલેજ ની વિદ્યાર્થીનીઓ હોવાનું જણાવ્યું હતું. એજ રીતે 2F 85 નમ્બર ના પુરુષ સર્જીકલ વોર્ડ મા 3 જેટલા યુવાનો દર્દી ના બેડ ઉપર સુતેલા જણાયા હતા, એ પૈકી એક ને બોટલ ચડી રહ્યું હતું તેમને પૂછતાં તેમણે પણ પોતે જીતનગર નર્સિંગ કોલેજ ના વિદ્યાર્થીઓ હોવાનું કબુલ્યું હતું. એજ રીતે ઓર્થોપેડિક વોર્ડ મા પણ 5 જેટલી એક સરખી વય ની યુવતીઓ બેડ ઉપર સુતેલી હોવાનું જણાયું હતું એમણે પણ પોતે જીતનગર નર્સિંગ સ્કૂલ ની વિદ્યાર્થીની ઓ હોવાનું જણાવ્યું હતું.
 2003 મા આવેલી ફિલ્મ મુન્નાભાઈ MBBS મા પણ આજ રીતે ફિલ્મ નો હીરો પોતાના પિતાના ડોકટર બનવાના સ્વપ્ન ને પૂરું કરવા આખી નકલી હોસ્પિટલ ની ઇમારત નકલી ડોકટર અને નકલી દર્દીઓ થી ભરેલો નકલી જનરલ હોસ્પિટલ નો વોર્ડ બનાવે છે. અહીંયા પણ કઈંક આવુજ દ્રશ્ય જોવા મળ્યું હતું, ફરક એટલો છે કે અહીંયા હોસ્પિટલ અને ડોક્ટરો સાચાં છે પણ દર્દીઓ ડમી છે.
  હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે આવું કેમ કરવું પડ્યું? અને આના પાછળ કોનું ભેજું કામ કરી રહ્યું છે? તો આ સવાલો ના જવાબ મેળવવા માટે જનરલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જ્યોતિ ગુપ્તા નો રૂબરૂ સંપર્ક કરાયો પરંતુ તેઓ દ્વારા કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી ત્યારે આ મામલે કોઈ તપાસ થશે? અને આ તરકટ મામલે કોણ જવાબદાર? જો "મુન્ના ભાઈ MBBS સ્ટાઈલ થી નર્મદા જિલ્લા ની જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ચલાવવા મા આવશે? તો દર્દીઓ નું શું થશે? તે સવાલ હાલ ચર્ચા માં છે.
આ બાબતે સિવિલ સર્જન ની ગોદડી નીચે રેલો આવે તેવા ડરથી તેઓએ અમારા પ્રતિનિધિ પર દબાણ કરાવ્યું
આ સત્ય જાણવા અમે સિવિલ સર્જન જ્યોતિબેન ગુપ્તા ને રૂબરૂ મળ્યા પરંતુ તેઓએ આ બાબતે બોલવા ગલ્લા તલ્લા કરતા અમારા પ્રતિનિધિ બે કલાક ત્યાં ઊભા થયા પરંતુ તેઓ મિટિંગ માથી બહાર નાં આવી આ ન્યૂઝ નહિ છાપવા રૂમની અંદરથી ફોન કરી અન્યો પાસે અમારા પ્રતિનિધિ પર દબાણ કરતા રહ્યા છતાં સાંજે ફરી આ બાબતે સિવિલ સર્જન ને ફોન કર્યા પરંતુ ગોદડી નીચે રેલો આવ્યો હોય તેમ તેમણે ફોન ઉપડ્યા ન હતા.

(10:38 pm IST)