Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

સરકારના અનેકવિધ પ્રયાસો બાદ આજે મહિલાઓ આત્મનિર્ભર બનીને પોતાના પરિવારોનો આધાર બની ગૌરવભેર જીવન જીવી રહી છે

રાજપીપળામાં ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ‘નારી વંદન ઉત્સવ’ કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આજે સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં દેશની દિકરીઓનું યોગદાન ખુબ જ સરાહનીય રહ્યું છે. દીકરીઓ પુરુષો સાથે ખભેખભા મિલાવીને આગળ વધી રહી છે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા દરેક દીકરીને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવા તેમજ તેઓને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે રાજ્યવ્યાપી વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેને અનુલક્ષીને આજે રાજપીપલામાં ડૉ.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ‘નારી વંદન ઉત્સવ’ ઉજવણી અંતર્ગત  મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
નારી વંદન ઉત્સવનો ઉદ્દેશ્ય ગંગા સ્વરૂપા મહિલાઓ તથા અન્ય મહિલાઓ માટે રોજગાર ભરતી મેળો, સ્વરોજગાર માર્ગદર્શન, શ્રમજીવી મહિલાઓના અધિકારો અને કલ્યાણકારી મહિલાઓને જાગૃત કરવાના હેતુ રહેલો છે, ત્યારે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ મમતાબેન તડવીએ જણાવ્યું હતું કે, મહિલાઓને સશક્ત અને સક્ષમ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જે નારી વંદન ઉત્સવની ઉજવણી થઇ રહી છે તે ખૂબ જ સરાહનીય છે. આજે દરેક મહિલા આગળ વધી શકે છે, સૌ કોઈ સરકારની વિવિધ લોકકલ્યાણકારી અને મહિલાઓને લગતી યોજનાઓના લાભ સરળતાથી મેળવી શકે છે. તેમજ રોજગારલક્ષી માહિતી મેળવી નોકરીઓની ઉત્તમ તકોનો લાભ મેળવી આત્મનિર્ભર બની શકે છે.
મમતાબેન તડવીએ વધુમાં ઉમેર્યુ હતું કે, બાળકના શિક્ષણથી લઈને પોતાની અને પરિવારની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય તે માટે સરકાર ખૂબ જ ઝડપી અને પ્રસંશનીય કામગીરી કરી છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહી છે જે પ્રત્યેક મહિલાઓ માટે પ્રેરણારૂપ બાબત રહી છે. આજના બાળકને આવતીકાલનું ભવિષ્ય બતાવીને બાળકના પાયાના શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના સફરમાં મહિલાઓ પોતાનુ યોગદાન અને પ્રોત્સાહન થકી જેથી બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બને તે દિશાના પ્રયાસોની હિમાયત કરી હતી.
મહિલા વિકાસ અને બાળ અધિકારી હસીનાબેન મન્સુરીએ પણ આ પ્રસંગે પોતાના વિચારો રજુ કરતા જણાવ્યું કે, આજે મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે, સરકારશ્રીના અનેકવિધ પ્રયાસો બાદ આજે મહિલાઓ આત્મનિર્ભર બનીને પોતાના પરિવારોનો આધાર બની ગૌરવભેર જીવન જીવી રહી છે. એવામાં અન્ય મહિલાઓએ પણ આવી તકોનો લાભ લઈ સ્વરોજગાર મેળવી પોતાના પરિવારનો આધારસ્તંભ બની સમાજમાં ગૌરવભેર જીવવું જોઈએ. વધુમાં તેઓએ રોજગારલક્ષી ચર્ચા કરીને કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક મહિલાઓને રોજગાર સ્ટોલ્સ અંગે વિસ્તૃત સમજ પુરી પાડી હતી.
આજે કોઈ પણ નવજાત શિશુ કુપોષિત ન રહી જાય તે માટે સરકાર સૌની ચિંતા કરી રહી છે તેમ જણાવતા સંકલિત બાળ વિકાસ યોજના ઈન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર હેમાંગીનીબેન ચૌધરીએ ઉમેર્યું હતું કે, બાળકને ૬ માસ સુધી સ્તનપાન કરાવવું જોઈ અને તે બાદ સ્તનપાનની સાથે પોષણયુક્ત આહાર આપવો જોઈએ. વધુમાં તેઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહિલાઓને આ વિશે અન્યને પણ જાગૃત કરવા અંગે સમજણ પુરી પાડી હતી. સાથોસાથ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી ચેતનાબેન ચૌધરીએ મહિલાઓ સ્વાવલંબી બને તે માટે વિસ્તૃતમાં સમજણ પુરી પાડી હતી. તેઓશ્રીએ E-FIR અંગે માહિતી પણ પુરી પાડીને સૌને જાગૃત કર્યા હતા.
બરોડા સ્વરોજગાર સંસ્થાનના રાજેન્દ્ર ગાહિલે પણ મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. મહિલાઓ સ્વરોજગાર બને અને અન્ય મહિલાઓને પણ સ્વનિર્ભર બનાવે તે માટે પ્રસંગને અનુલક્ષીને વિવિધ ૧૦ જેટલા સ્ટોલ્સ રાખવામાં આવ્યા હતા. વધુમાં બરોડા સ્વરોજગાર સંસ્થાન દ્વારા મુખ્યમહેમાન મમતાબેન તડવી સહિતના મહાનુભવોના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતાં.
આ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે આઈ.સી.ડી.એસ.ના મુખ્ય સેવિકા બહેનો, નારી સંરક્ષણ ગૃહની મહિલાઓ અને આંગણવાડી કાર્યકર બહેનો વગેરેએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી.

(10:29 pm IST)