Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

નર્મદા જિલ્લા કલેકટર તરીકે હવાલો સંભાળતા શ્રીમતી શ્વેતા તેવતિયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા તેવતિયા (IAS) ની નર્મદા જિલ્લા કલેકટર તરીકે બદલી સાથે નિમણૂંક કરતાં નવનિયુક્ત જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ તા.૩ જી ઓગષ્ટ, ૨૦૨૨ને બુધવારના રોજ નર્મદા જિલ્લા કલેકટર તરીકેનો હવાલો સંભાળી લીધેલ છે. નર્મદાના તત્કાલિન કલેકટર ડી.એ.શાહ (IAS) ની રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તરીકે બદલી થતાં શાહ ગઇકાલે નર્મદા જિલ્લા કલેકટરની ફરજમાંથી મુક્ત થયેલ છે.
સને-૨૦૧૧ની સાલમાં ભારતીય વહિવટી સનદી સેવાઓ માટે પસંદગી પામેલા નવનિયુક્ત નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા આન્ધ્રપ્રદેશ કેડરમાં જોડાઇને તેમની યશસ્વી કારકિર્દિનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ તેઓ ૨૦૧૮ માં ગુજરાત કેડરમાં તબદીલી સાથે સૌ પ્રથમ રાજ્યના ઉદ્યોગ વિભાગના અધિક કમિશ્નર તરીકે ત્યારબાદ ૨૦૧૯ થી ૨૦૨૧ દરમિયાન PGVCLના મેનેજીંગ ડિરેક્ટર તરીકે સેવાઓ આપી હતી અને છેલ્લે અરવલ્લી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેઓ કાર્યરત હતાં.
ઉત્તર પ્રદેશના મેરઠના વતની અને મુંબઇ યુનિવર્સીટીમાંથી અંગ્રેજી વિષય સાથે એમ.એ ની ઉપાધિ (ડિગ્રી) હાંસલ કરનાર શ્વેતા તેવતિયાના પિતા નિવૃત્ત આર્મીમેન છે અને તેમના પતિ ઉદિત અગ્રવાલ (IAS) હાલમાં મહેસાણા જિલ્લા કલેકટર તરીકે ફરજો બજાવી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,શ્વેતા તેવતિયાએ PGVCLના મેનેજીંગ ડિરેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન તાઉતે વાવાઝોડાની કપરી અને પડકારરૂપ પરિસ્થિતિમાં લોકોને વિજ પુરવઠો ઝડપથી મળી રહે અને લોકોનું જનજીવન રાબેતા મુજબ પુન: ધબકતું થાય તે દિશામાં નોંધપાત્ર કામગીરી કરાઇ હતી તેની સાથોસાથ PGVCL કંપનીના પ્રોફિટમાં વૃધ્ધિ થાય તે દિશામાં પણ તેવતિયા તરફથી કરાયેલા અથાગ પ્રયાસોને લીધે તેમાં સફળતા મેળવી હતી. તદઉપરાંત અરવલ્લીના જિલ્લા વિકાસ અધિકારી તરીકેના કાર્યકાળ દરમિયાન ૧૫ થી ૧૭ વર્ષની વયના તરુણોને કોરોના વિરોધિ કોવિડ વેક્સિનેશનની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરીને વિશેષ સિધ્ધિ હાંસલ કરી હતી. આમ PGVCL માં અને અરવલ્લી જિલ્લાના સેવાકાળ દરમિયાન કરાયેલી ઉક્ત વિશિષ્ટ સિધ્ધિઓની રાજ્યકક્ષાએ પણ જરૂરી નોંધ લેવાઇ હતી.
જિલ્લાના છેવાડાના માનવીને કેન્દ્રમાં રાખવાની સાથોસાથ એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત નર્મદા જિલ્લાના સર્વાંગી વિકાસની દિશાના પ્રયાસોને વધુ સઘન અને વેગવાન બનાવી લક્ષીત લાભાર્થી જૂથને સરળતાથી મહત્તમ લાભો મળી રહે તે અંગેની જરૂરી કાર્ય વ્યવસ્થા અને તેના સુચારુ અમલ માટે તેવતિયાએ પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.

(10:24 pm IST)