Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

9મી ઓગષ્ટે 'વિશ્વ આદિવાસી દિવસ’ની રાજ્યવ્યાપી ઉજવણી થશે : રાજ્યકક્ષાનો સમારોહ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં દાહોદમાં યોજાશે

રાજ્યના અલગ-અલગ 26 સ્થળોએ મંત્રીમંડળના સભ્યો અને અન્ય મહાનુભાવોની હાજરીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન : જીતુભાઈ વાઘાણી

ગાંધીનગર તા.03 : આગામી 9 ઓગષ્ટે વિશ્વ આદિવાસી દિવસની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે. જેમાં રાજ્યકક્ષાનો સમારોહ દાહોદ જિલ્લાના મેલાણીયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે.. જે અંગે ગુજરાત સરકારનાં પ્રવકતા જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.

આ ઉપરાંત રાજ્યના અલગ અલગ 26 સ્થળોએ મંત્રીમંડળના સભ્યો અને અન્ય મહાનુભાવોની હાજરીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ યોજાનાર કાર્યક્રમોમાં દાહોદ ખાતે યોજાનાર મુખ્યમંત્રીના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે.

મંત્રીએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના આ કાર્યક્રમમાં કુલ રૂ. 1300 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાશે અને વ્યક્તિગત લાભાર્થીઓને જુદી-જુદી યોજના હેઠળ લાભ આપવામા આવશે. જેમાં અંદાજિત રૂ. 1043 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કામો તથા 12 લાખથી વધુ આદિજાતિ વિધાર્થીઓને કુલ 150 કરોડની શિષ્યવૃતિના લાભનું વિતરણ કરવામાં આવશે. તેમજ રાજ્યના 7500 આદિજાતિ કુટુંબોને રૂ. 90 કરોડના ખર્ચે આવાસની મંજૂરી, આદિજાતિ મહિલાઓને સ્વરોજગારી માટે રૂ.20 કરોડના ખર્ચે 3000 દૂધાળા પશુઓના લાભનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત વન અધિકાર અધિનિયમ-2006 હેઠળ 11000 આદિજાતિ ખેડૂતોને વન અધિકારપત્રનું વિતરણ કરાશે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, કુંવરબાઇનું મામેરૂ, તબીબી સહાય યોજના, માનવ ગરિમા યોજના, મંડપ યોજના, ફળાઉ ઝાડના રોપા વિતરણ યોજના સહિતની વિવિધ વ્યકિતલક્ષી યોજનાઓ હેઠળ 14,000 લાભાર્થીઓને રૂ.11 કરોડના લાભોનું વિતરણ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં 'હર ઘર તિરંગા'કાર્યક્રમ હેઠળ પેમ્ફલેટનું પણ વિતરણ કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.

(9:38 pm IST)