Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

અમદાવાદ એરપોર્ટ બન્યું સાયલન્ટ એરપોર્ટ : ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કોમ્યુનિકેશનના નવા યુગનો પ્રારંભ થયો

ગુજરાતીઓનું મનપસંદ SVPI એરપોર્ટ પર 1 ઓગસ્ટ, 2022 થી શાંત અને સતત ઉદઘોષણાઓથી મુક્ત એવુ 'સાયલન્ટ એરપોર્ટ' બની ગયું

અમદાવાદ તા.03 : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કોમ્યુનિકેશનના નવા યુગનો પ્રારંભ થયો છે. ગુજરાતીનું મનપસંદ SVPI એરપોર્ટ પર 1 ઓગસ્ટ, 2022 થી શાંત અને સતત ઉદઘોષણાઓથી મુક્ત એવુ 'સાયલન્ટ એરપોર્ટ' બની ગયું છે. હવે અમદાવાદ એરપોર્ટ પર સતત એનાઉન્સમેન્ટ થતું સંભળાશે નહિ અને શાંતિનો અહેસાસ થશે.

મુસાફરોના સુખદ અને બહેતરીન અનુભવ માટે સતત પ્રયાસરત અમદાવાદ એરપોર્ટ ટેક્નોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને સાયલન્ટ એરપોર્ટ બન્યું છે. જોકે મુસાફરો મહત્વની ઘોષણાઓ ચૂકી ન જાય તેની ખાતરી માટે એરપોર્ટ પર ૧૦૦થી વધુ સ્ક્રીનો પર ફ્લાઇટ્‌સની માહિતી પ્રદર્શિત થતી રહેશે.
આ સ્ક્રીન્સ ટર્મિનલ્સની બહાર, ચેક-ઈન હોલ અને સિક્યોરિટી હોલ્ડ એરિયામાં મોખરાના સ્થળોએ મૂકવામાં આવી છે. સાયલન્ટ એરપોર્ટ પર મુસાફરોને હળવા શ્રાવ્ય અનુભવનો આનંદ માણી શકે તે માટેની એક પહેલ છે. મુસાફરો કોઈપણ જાતની ખલેલ વિના પ્રતીક્ષા સમયનો ઉપયોગ તેમની મનપસંદ પ્રવૃત્તિઓમાં કરી શકે છે. સાયલન્ટ એરપોર્ટનો અર્થ છે મુસાફરોને પુસ્તક વાંચવા, ટ્રાવેલ પાર્ટનર સાથે વાતચીત કરવા, મનપસંદ સંગીત સાંભળવા કે જરૂરિયાત મુજબનું કામ કરવાની સવલત માટેનો વધુ સમય મળી રહેશે.
તાજેતરમાં એરપોર્ટ પર શહેરના યુવા કલાકારો દ્વારા કરવામાં આવેલા લાઇવ મ્યુઝિક પર્ફોર્મન્સને મુસાફરોએ બિરદાવ્યુ હતું. એરપોર્ટ પરથી મુસાફરી કરતા સમયે આવા ઇવેન્ટ્‌સ અને પર્ફોર્મન્સ અવારનવાર જોવા મળી શકે છે. ગુરુવાર અને શુક્રવારે શહેરના કલાકારો દ્વારા વાંસળી, ગિટાર, સિતાર અને વાયોલિન સાથેના જીવંત પ્રદર્શનને મુસાફરોએ ભારોભાર વખાણ્યું હતું. ભવિષ્યમાં પણ મુસાફરોના સમયનો સાર્થક ઉપયોગ કરી શકે તે માટે શહેરના એરપોર્ટ પર આવી પેસેન્જર એંગેજમેન્ટ પ્રવૃત્તિઓમાં થતી રહેશે.
જો કે, મુસાફરોની સલામતી અને સુખાકારી માટે પ્રોટોકોલની ફરજિયાત ઘોષણાઓ અને જરૂરિયાત મુજબ કટોકટી અને સુરક્ષા સંબંધિત જાહેરાતો યથાવત્‌ રહેશે.

(8:31 pm IST)