Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

સુરતમાં લાંચિયો પોલીસ કર્મી ઝડપાયો : ACBએ PSI સહિત બે લોકોને લાંચની રકમ સાથે રંગે હાથ પકડી પાડ્યા

રાજસ્થાનથી સુરતમાં આવેલી દારૂની બસમાં દારૂના માલિકનું નામ ફરિયાદમાં ન બતાવવા પૂણા PSIએ માંગ્યા હતા ત્રણ લાખ રૂપિયા

સુરત તા.03 : ACBએ પુણા પોલીસ મથકનાં PSI સહિત તેના થકી લાંચ લેતા શખ્સને લાંચની રકમ સાથે  રંગે હાથ પકડી પાડ્યા છે. ઉલ્લેખનીય છે  કે, PSIએ રાજસ્થાનથી સુરતમાં આવેલી દારૂની બસમાં દારૂના માલિકનું નામ ફરિયાદમાં આરોપી તરીકે દાખલ ન કરવા 3 લાખ માંગ્યા  હતા.

પ્રાપ્ત વિગતો મુજબ બે દિવસ પહેલા પુણા પોલીસે રાજસ્થાનથી સુરતમાં લવાતા રૂ.4.82 લાખની કિંમતનો દારૂ પકડી પાડ્યો હતો. આ દારૂ લાવનાર બસમાં સવાર ડ્રાઇવર અને ક્લીનર રતનસિંહ રાયસિંહ રાઠોડ, મહેન્દ્ર બાબુસિંહ રાજપુતની ધરપકડ કરી હતી, જ્યારે રાજસ્થાનના ઉદયપુરમાં રહેતા નિર્ભયસિંહ સુખસિંહ રાજપુતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે જ્યારે દારૂ પકડ્યો ત્યારે પુણા પોલીસના PSI જયદિપસિંહ હસમુખસિંહ રાજપુતે બસના માલિકનું નામ ફરિયાદમાં આરોપી તરીકે દાખલ નહીં કરવા માટે પાંચ લાખની માંગણી કરી હતી.

આ બાબતે ડ્રાઇવરે તેના માલિકને ફોન કરીને વાત કરી હતી, અંતે રકઝક થયા બાદ મામલો ત્રણ લાખમાં પુરો થયો હતો. જેમાંથી બસના માલિકે શરૂઆતમાં રૂ.1.70 લાખ મોકલી આપ્યા હતા અને બાકીના રૂ.1.30 લાખ આપવાના બાકી રાખ્યા હતા. ગુનો દાખલ કરીને બંનેની ધરપકડ થઇ છતાં બસના માલિકે બાકીના રૂ.1.30 લાખ આપ્યા ન હતા. જેને લઇને PSI રાજપુત અને તેનો પ્રાઇવેટ માણસ જીયાઉદ્દીન અબ્દુલરહીમ સૈયદ વારંવાર ઉઘરાણી કરતા હતા.

આ બંનેએ બાકીના રૂપિયા માંગતા ACBમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઇને તાપી ACB પોલીસના ઇન્સ્પેક્ટર એસ.એચ.ચૌધરી અને તેમની ટીમ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. આ ફરિયાદ કરનાર યુવક રૂપિયા લઇને આવ્યો અને PSI વતી ખાનગી માલિક જીયાઉદ્દીનને આપી રહ્યો હતો. ત્યારે જ પોલીસે રેડ પાડી હતી અને તેઓ બંનેને પકડી લેવામાં આવ્યા હતા. PSI રાજપુત તેમજ જીયાઉદ્દીનની સામે સુરત ACB પોલીસમાં લાંચ રૂશ્વત અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ બંનેની વધુ પુછપરછ શરૂ કરી છે.


ACBના જણાવ્યા પ્રમાણે PSI રાજપુતે વારંવાર રૂપિયાની ઉઘરાણી કરતા હતા. ત્યારે આ રૂપિયા લેવા માટે PSIએ તેના ખાનગી માણસને પુણા પોલીસ મથકની સામેના રોડ ઉપર મોકલ્યો હતો. અહીં બસના માલિકનો માણસ રૂપિયા લઇને આવ્યો ત્યારે PSIએ પોલીસ મથકની બહારથી જ નજર રાખી હતી. તો બીજી તરફ PSI અને તેના માણસને પકડવા માટે ACBએ પણ અલગ અલગ રીતે બંનેની આજુબાજુ ફિલ્ડીંગ ગોઠવી દીધી હતી. જીયાઉદ્દીનએ જેવા રૂપિયા લીધા કે તેઓને પકડી લઇને પુણા પોલીસ મથકની અંદર લઇ જઇને પુછપરછ કરવામાં આવતા ત્યાં પોલીસના અન્ય સ્ટાફમાં સોપો પડી ગયો હતો. પુણા પોલીસનો સ્ટાફ સિવિલ ડ્રેસમાં હાજર એસીબી પોલીસને જોઇને ચોંકી ઉઠ્યો હતો.

(8:29 pm IST)