Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

પૈસાની લેતી-દેતી બાબતે રાજકોટનાં બે યુવાનોએ સુરતનાં રહેવાસીનું અપહરણ કર્યું : પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં બંનેને દબોચી લીધા!

સુરત તા.03 : સુરત શહેરમાંથી ધોળા દિવસે યુવકના અપહરણની ઘટના સામે આવી છે. સુરતથી યુવકનું અપહરણ કરી નાસી છુટેલા આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. આરોપીઓ નાસી રહ્યા હતા દરમિયાન વાસદ ચોકડી પાસેથી બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે. જે મામલે પકડાયેલા આરોપીઓ રાજકોટના હોવાનું સામે આવ્યું છે.

બનવાની મળતી વિગતો અનુસાર, સુરતમાં રહેતા અને યશ બેન્કમાં નોકરી કરતા પ્રતિક પાઘડાળ નામના યુવકે બે વર્ષ પહેલા પોતાની નોકરી છોડીને અમદાવાદમાં જઈને સંબંધી અને પરિચિતો પાસેથી પૈસા લઈ મરી મસાલાનો ઈમ્પોર્ટ-એક્ષ્‍પોર્ટનો વેપાર ચાલુ કર્યો હતો. પણ કમનસીબે આ ધંધો નહીં ચાલતા તે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. તેથી યુવક તમામના પૈસા ચૂકવ્યા વિના સુરત પરત આવી ગયો હતો. ત્યારબાદ યુવકે સુરતમાં આવીને તેના મિત્રોની સાથે મળી નવો ધંધો શરૂ કરવા મથામણ કરી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અગાઉ સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતા અને હાલ ભાવનગરના ઉમરાળાના ઓજવદરમાં રહેતા તેમજ ખેતીકામ કરતા મિત્ર લાલજી બગદારીયાને સુરત બોલાવ્યો હતો. પ્રતિક ગત સવારે લાલજી અને અન્ય એક મિત્ર દિનેશ મકવાણા સાથે મિત્ર જૂપીન ધડૂકની વરાછા તાપ્તી ગંગા આર્કેડમાં આવેલી કાપડની દુકાને ગયો હતો.

ત્યારબાદ પ્રતિક તેના અન્ય મિત્ર કિશન વીરડીયા આવતા મિત્રોની સાથે નાસ્તો કરવા ગયો હતો. તે સમયે પ્રતિકને કોઈક ઇસમનો ફોન આવતા પ્રતિક બહાર વાત કરવા માટે ગયો હતો. પ્રતિક જ્યારે મોબાઈલમાં વાત કરી રહ્યો હતો તે સમયે બે ઈસમોએ કારમાં પ્રતિકનું અપહરણ કર્યું હતું.

ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડે પ્રતિકના મિત્રોને કહ્યું કે, પ્રતિકને બે જણા લઈ જાય છે. તેથી તમામ લોકો પ્રતિકને બચાવવા દોડ્યા હતા તેવામાં તમામ મિત્રોએ બહાર જઈ જોયું તો મોઢા પર રૂમાલ બાંધીને બે યુવાન તેને બળજબરીથી કારમાં બેસાડીને લઈ ગયા હતા. આ ઘટનાને લઈને લાલજીએ કારનો નંબર નોંધી આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરતા વરાછા પોલીસ હરકતમાં આવી હતી. અપહરણની ઘટનાને લઈને વરાછા પોલીસે કારના નંબર તેમજ ટોલનાકાના સીસીટીવી ફૂટેજના આધારે કાર અમદાવાદ તરફ જતી નજરે ચઢતા વડોદરા અને અમદાવાદ પોલીસને જાણ કરી હતી.

પોલીસે વાસદ ચોકડી પાસે કારને આંતરી પ્રતિકને મુક્ત કરાવી લીધો હતો. ત્યારબાદ પ્રતિકનું અપહરણ કરનાર બે ઇસમની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, રાજકોટના બે યુવાન જય હસમુખભાઈ પટેલ અને હિરેન રણછોડભાઈ પટેલે પ્રતિકનું પૈસાની લેતીદેતીમાં અપહરણ કર્યું હતું. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબુલાત કરી હતી કે, તેને પ્રતિકને ધંધો કરવા માટે પૈસા આપ્યા હતા પરંતુ ધંધામાં ખોટ જતા પ્રતિકે પૈસા પરત આપ્યા ન હતા અને તે અલગ અલગ વાયદાઓ આપતો હતો અને અંતે પૈસાની ચુકવણી ન થતા તેને પૈસા મેળવવા માટે પ્રતિકનું અપહરણ કર્યું હતું.

(8:29 pm IST)