Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ધોરણ 12 પૂરક પરીક્ષાના પરિણામની તારીખ જાહેર : તા. 4 ઓગસ્ટે સવારે 8 વાગ્યે થશે પ્રસિદ્ધ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 18 જુલાઈના રોજ લેવાઈ હતી પરીક્ષા

ગાંધીનગર તા.03 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 18 જુલાઈના રોજ લેવાયેલ ધોરણ 12 પૂરક પરીક્ષાના પરિણામની તારીખ જાહેર થઈ છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરી જણાવ્યુ હતું કે, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની જુલાઇ પૂરક-૨૦૨૨ પરીક્ષાનું પરિણામ તા. 4થી ઓગસ્ટ 2022ના રોજ સવારે 8 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 18 જુલાઈના રોજ સાયન્સ પ્રવાહની પરીક્ષા લેવાઈ હતી. જેમાં એક વિષય અથવા તો બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરીક્ષામાં 13,500 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેવી જ રીતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 18થી 20 જુલાઈની વચ્ચે કોમર્સ પ્રવાહ એટલે કે સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવાઈ હતી.

જણાવી દઈએ કે, એક કે બે વિષયમાં ફેલ થનારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં તે હેતુથી પૂરક પરીક્ષા લેવામાં આવે છે. શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહની પૂરક પરીક્ષા લેવાઈ હતી.

(8:26 pm IST)