Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

સ્વાતંત્ર્ય દિવસે રાજ્યભરમાં ૬૬૩ અમૃત સરોવરનાં લોકાર્પણ કાર્યક્રમ તેમજ ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે : જીતુભાઈ વાઘાણીની જાહેરાત

રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ અરવલ્લીનાં ધનસુરા ગામ તળાવ ખાતે યોજાશે : રાજ્યમાં અમૃત સરોવર માટે ૨,૭૬૭ સ્થળોની પસંદગી

ગાંધીનગર તા.03 : આગામી સ્વાતંત્ર્ય દિવસ નિમિતે રાજ્યભરમાં ૬૬૩ અમૃત સરોવરનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવશે. તેવું ભાજપ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાની સૂચના આપવામાં આવી હતી. જેને પગલે દરેક જિલ્લાઓમાં 75 અમૃત સરોવર માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી.

“આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં ૭૫ અમૃત સરોવરના નવનિર્માણ-નવિનીકરણનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ સંકલ્પ સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજયમાં હાલ કુલ ૨૭૬૭ સ્થળોની અમૃત સરોવ૨ તરીકે પસંદગી કરવામાં આવી છે. જે અંતર્ગત ૨,૪૨૨ કામો પ્રગતિમાં છે. જે પૈકી આગામી સ્વાતંત્ર્ય પર્વ એટલે કે, ૧૫ ઓગષ્ટ સુધીમાં ૬૬૩ અમૃત સરોવરના લોકાર્પણ કરવામાં આવશે. તેમ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધી પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ હતું.

 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સ્વાતંત્ર્ય પર્વના રોજ ૬૬૩ અમૃત સરોવર ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે. અમૃત સરોવર અંતર્ગત રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામ તળાવ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવશે. જ્યારે જિલ્લા મથકોએ મંત્રી મંડળના સભ્યોનાં અધ્યક્ષસ્થાને યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમમાં આ અમૃત સરોવરોના લોકાર્પણ કરવામાં આવશે. જે માટે અમૃત સરોવર પર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટિ (CSR) અને લોકભાગીદારીથી વિશેષ સુશોભન કરવામાં આવશે. ઓછામાં ઓછામાં ૧ એકર ક્ષેત્રફળમાં અમૃત સરોવર વિસ્તરેલું હોવાથી પ્રતિ સરોવર અંદાજે ૧૦,૦૦૦ ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થશે જેના પરિણામે જે તે વિસ્તારમાં પાણી સ્તર વધુ ઊંચા આવશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

 

તેમણે વધુમાં કહ્યું હતું કે, મનરેગા અંતર્ગત ૯૫૦, સિંચાઈ વિભાગ હેઠળ ૧૧૪૮, વોટર શેડ-૧૦૬, NHAI-૧૪, વન વિભાગ-૦૨, ૧૫મું નાણાપંચ-૦૧, રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે-૦૯, અન્ય CSR-૨૨૯ તેમજ અન્ય લોક ભાગીદારીથી ૩૦૮ એમ કુલ ૨,૭૬૭ સ્થળો-અમૃત સરોવરની પસંદગી કરવામાં આવી છે.

(8:16 pm IST)