Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ચાલકનું અજાણ્યા વાહનની ટક્કરથી મૃત્યુ

નડિયાદ : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અરેરા સીમ નજીક ટાયર ફાટતાં ઉભા રહેલા કાર ચાલકને મદદ કરવા માટે ગાડી ઉભી રાખનાર આણંદના કાર ચાલકનું અજાણ્યા વાહનની ટક્કરથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધ્યો છે. 

આ અકસ્માતની વિગત એવી છે કે અમદાવાદ મુખ્યમંત્રી આવાસ યોજનાના અગોરા મોલ પાસે રહેતા શાંતિલાલ તળશીભાઈ જાદવ સોમવારે રાત્રે ઇકો ગાડી હંકારી આણંદ અમદાવાદ તરફ આવી રહ્યા હતા. ત્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે અરેરા સીમ નજીક અચાનક ઇકો ગાડી નું ટાયર ફાટતા ગાડી સાઈડમાં લઈ મદદ માટે હેલ્પલાઇન પર ફોન કરવા છતાં કોઈ મદદ માટે ન આવતા એક્સપ્રેસ હાઈવે ક્રોસ કરી અમદાવાદ આણંદ તરફના રોડ પર આવી મદદ મેળવવા હાથ બતાવતા હતા. ત્યારે અમદાવાદ તરફથી એક ઈકો ગાડી આવીને સાઈડ માં ઉભી રાખી કારચાલક ગાડીમાંથી ઉતરી મદદ માટે ઊભા રહેલ શાંતિલાલ જાદવ સાથે વાતચીત કરતા હતા ત્યારે પૂરઝડપે આવેલા અજાણ્યા વાહન ચાલક સાઈડમાં ઊભા રહેલા શખ્સને ટક્કર મારી નાસી ગયો હતો. વાહનની ટક્કરથી ફંગોળાઈ જતા માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું. આ કાર ચાલકના લાઇસન્સ તેમજ આધારકાર્ડ પરથી મરણ જનાર આમિર સિકંદર ભાઈ વોહરા (રહે. હસનેન પાર્ક સોસાયટી, આણંદ) હોવાની ઓળખ થઈ હતી. જયારે શાંતિલાલ જાદવને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. આ બનાવ અંગે મોહમ્મદભાઈ સુલેમાનભાઈ વ્હોરા (રહે. મરીડા ભાગોળ, નડિયાદ) ની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(7:52 pm IST)