Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર કારચાલકે રોડ નજીક ઉભેલ બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત પતિ-પત્નીનું મૃત્યુ

કઠલાલ : અમદાવાદ ઈન્દોર હાઇવે ઉપર લસુન્દ્રા પાસે મંગળવારે સવારના સમયે એક કારચાલકે રોડ પાસે સાઇડમાં ઉભેલા બાઈકને અડફેટે લઈ લેતા અકસ્માતમાં પતિ-પત્નીનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે સ્થાનિક નાગરિકોએ હાઇવે બંધ કરી ચક્કાજામ કરી દીધો હતો. બનાવની જાણ થતાં પહોંચેલી પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. બનાવમાં ચાર સંતાનોએ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતીઆ અંગે મળતી માહિતી અનુસાર કઠલાલ-બાલાસિનોર રોડ ઉપર લસુન્દ્રા પાસે નડિયાદથી બાલાસિનોર તરફ જવાના માર્ગે બાલાસિનોર રહીશ અર્જૂનભાઈ કાવિઠીયા તથા તેમના પત્ની પાયલબેન કાવિઠીયા રોડની બાજુમાં ઊભેલા હતા. તે સમયે અમદાવાદથી બાલાસિનોર તરફ જતી એક કારના ચાલકે પોતાની ગાડી પુરપાટ અને બેફિકર ચલાવી રોડની સાઈડમાં ઉભેલા દંપતિને અડફેટે લીધું હતું. કારની ટક્કરે પતિ અને પત્ની ફંગોળાઇ ગયા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને કારણે આ દંપતિનું ઘટના સ્થળે જ મરણ થયું હતું. બનાવની જાણ થતાં આસપાસના વિસ્તારના લોકો ત્યાં ઉમટી પડયાં હતાં. આ અંગે કઠલાલ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

(7:52 pm IST)