Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ઇકો કારના સાઇલેન્સરની ચોરી કરનાર ટોળકીના સાગરીતની પોલીસે રંગે હાથે ધરપકડ કરી

નડિયાદ : ફક્ત ઈકો કારમાંથી સાઇલેન્સર ચોરનાર ટોળકીનો એક શખ્સ ખેડા એલસીબીના હાથ ઝડપાઇ ગયો હતો. પોલીસે બાવળાના રૂપાલ ગામના શખ્સ પાસેથી પાંચ સાઇલેન્સર સહિતનો મુદ્દામાલ કબજે લઇને ગુનો નોંધ્યો હતો. નેશનલ હાઇવે નં.૪૮ છઠ્ઠા માઈલ ચોકડી પરથી આ શખ્સને રિક્ષામાં પાંચ સાઇલેન્સર સાથે ઝડપી પાડયો હતો.

એલસીબી ખેડા પોલીસે સોમવારે સાંજે  બાતમી આધારે નેશનલ હાઇવે નં.૪૮ છઠ્ઠા માઈલ ચોકડી પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન પસાર થઇ રહેલી એક રિક્ષાને શંકાના આધારે ઉભી રાખી તેના ચાલક પાસે રિક્ષાના કાગળો આધાર પુરવાર માંગતા મળી આવ્યા ન હતા. આ શખ્સની પૂછપરછ કરતા તે દિલાવર ભાઈ ઉર્ફે અબ્દુલભાઈ વ્હોરા (રહે. રૂપાલ, દાતારની દરગાહ પાસે તા.બાવળા) હોવાનું જણાવ્યું હતું. 

પોલીસે રિક્ષાની તલાશી લેતા ઇકો ગાડીના પાંચ સાઇલેન્સર મળી આવ્યા હતા. જેની કિંમત રૂ. ૭૦,૦૦૦ થવા જાય છે. રિક્ષા ચાલક પાસે સાઇલેન્સરની માલિકીના આધાર પુરાવા પણ મળી આવ્યા ન હતા. આ સાઇલેન્સર બાબત પૂછપરછ કરતાં ઇકો કારના સાઇલેન્સર તેના મિત્ર ઇદરીશ ઉર્ફે બનો ગુલામ રસુલ મન્સૂરી (રહે.ધોળકા, ઠાકોર વાસ) એ ઇકો કારમાંથી ચોરી કરી સાઇલેન્સરની અંદર રહેલ પ્લેડેનીયમની માટી કાઢી લઈ સાઇલેન્સર વેચવા આપ્યા હોવાનું જણાવ્યું હતું. આ શખ્સની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(7:52 pm IST)