Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

રાજ્યના ગરીબ પરિવારો માટે સરકારનો મહત્વનો નિર્ણય: રાજ્યના તમામ ૭૦ લાખથી વધુ NFSA કાર્ડ ધારકોને પ્રથમ વખત તહેવારોમાં રાહત દરે ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું વિતરણ કરાશે : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી

રાજ્ય સરકાર રૂ.૧૯૭ પ્રતિ લિટરની પડતર કિંમત સામે રૂ.૯૭ પ્રતિ લિટરની સબસીડી આપશે : મંજૂર કરાયેલ બજેટ જોગવાઇ રૂ.૯૮ કરોડમાં રૂ.૨૬ કરોડનો વધારાનો બોજ ઉમેરી કુલ રૂ.૧૨૪ કરોડની સબસિડી રાજ્ય સરકાર ભોગવશે: રાજ્યના ૭૦ લાખથી વધુ કાર્ડ ધારકોના ૩.૫ કરોડ જેટલાં નાગરિકોને લાભ: રાહત દરે ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું આગામી જન્માષ્ટમીના તહેવાર પહેલા શરૂ કરવામાં આવશે

ગાંધીનગર: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યના ગરીબ પરીવારો તહેવારો સારી રીતે ઉજવી શકે એ માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમી અને દિવાળી બંને તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્યના દરેક એન.એફ.એસ.એ. કાર્ડ ધારકો એટલે કે ૭૦ લાખથી વધુ કાર્ડ ધારકોના ૩.૫ કરોડ નાગરિકોને પ્રથમ વખત ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ રાહતદરે આપવા માટેનો પ્રજા હિતકારી નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વમાં તથા નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઇના વડપણ હેઠળ લેવામાં આવેલા આ નિર્ણય અંતર્ગત રાજ્ય સરકાર રૂ.૧૯૭ પ્રતિ લિટરની પડતર કિંમત સામે સરકાર દ્વારા રૂ.૯૭ પ્રતિ લિટરની સબસીડી આપીને લાભાર્થીઓને માત્ર રૂ. ૧૦૦ પ્રતિ લિટરના રાહત ભાવથી આ તેલનું વિતરણ કરવામાં આવશે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તથા રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના ૭૦ લાખથી વધુ કાર્ડ ધારકો કે જેની જન સંખ્યા ૩.૫ કરોડ જેટલી થાય છે તેમને તહેવારોની ઉજવણી દરમિયાન રાહત દરે ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું વિતરણ કાર્ડ દીઠ ૧ લિટર લેખે જન્માષ્ટમીના તહેવાર પહેલા શરૂ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ગત વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો દરમ્યાન ૧ લીટર રીફાઇન્ડ કપાસિયા તેલનું રૂ.૭૦ પ્રતિ લીટરની સબસિડી ભોગવીને રૂ.૯૩/- પ્રતિ લીટરના રાહતદરે વિતરણ કરવામાં આવ્યુ હતું.

(5:32 pm IST)