Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત AMUL દ્વારા ૧ કરોડ દુધની થેલી ઉપર હર ઘર તિરંગાના લોગો ચિહ્નિત કરાયા: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી

રાજ્યની ૮ મહાનગરપાલિકાઓમાં તા.૧૦ અને તા. ૧૧ ઓગષ્ટ-૨૦૨૨ના રોજ દોડનું આયોજન: તા.૪ થી ૧૨ ઓગષ્ટ દરમિયાન ૮ મહાનગર પાલિકાઓમાં “હર ઘર તિરંગા યાત્રા”નું આયોજન : આવતી કાલે મુખ્યમંત્રીશ્રી સુરત ખાતેથી યાત્રાનો શુભારંભ કરાવશે: કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા www.harghartiranga.com વેબસાઈટ શરૂ કરાઈ: તા.૩ ઓગસ્ટ સુધી ૯૫.૬૫ લાખ નાગરિકોએ ફ્લેગ પીન કર્યા, જ્યારે ૨૪.૪૬ લાખ નાગરિકોએ ફ્લેગ સાથે સેલ્ફી અપલોડ કરી ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં નાગરિકોને સહભાગી થવા આહવાન કરતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

ગાંધીનગર: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત AMUL દ્વારા ૧ કરોડ દુધની થેલી ઉપર હર ઘર તિરંગાના લોગો ચિહ્નિત કરવામાં આવ્યા છે. આવી જ રીતે સ્ટેમ્પ-ટીકીટોમાં પણ આ લોગો પ્રિન્ટ કરી દેશપ્રેમ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જે આવકારદાયક છે.
પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારી-ખાનગી અને સહકારી તમામ ક્ષેત્રોમાં આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીનો અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ બળવત્તર બને તે માટે રાજ્યની ૮ મહાનગરપાલિકાઓમાં તા.૧૦ અને તા.૧૧ ઓગષ્ટ-૨૦૨૨ના રોજ દોડનું આયોજન કરાયું છે, જેમાં નાગરિકોને સહભાગી થવા અનુરોધ કર્યો છે. તે ઉપરાંત આવતી કાલે તા.૪ ઓગષ્ટથી તા.૧૨ ઓગષ્ટ દરમિયાન રાજ્યની તમામ ૮ મહાનગર પાલિકાઓમાં “હર ઘર તિરંગા યાત્રા”નું આયોજન કરાયુ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવતી કાલે સુરત ખાતેથી આ યાત્રાનો શુભારંભ કરાવશે.
કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા www.harghartiranga.com વેબસાઈટ શરૂ કરાઈ છે. મંત્રીશ્રીએ આ વેબસાઈટ પર સૌ નાગરિકોને ધ્વજ પીન કરી ધ્વજ સાથે સેલ્ફી, #harghartiranga સાથે અપલોડ કરવા અનુરોધ કર્યો હતો.
આ વિશે વધુ માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, દેશભરમાં આજે તા.૩ ઓગસ્ટ સુધી ૯૫.૬૫ લાખ નાગરિકોએ પોતાના લોકેશન પર ફ્લેગ પીન કર્યા છે જ્યારે ૨૪.૪૬ લાખ નાગરિકોએ ફ્લેગ સાથે સેલ્ફી અપલોડ કરી છે. આ વેબસાઈટ પર નાગરિકોએ તેમના યોગદાનને ચિન્હિત કરવા માટે નામ અને નંબર લખ્યા બાદ લોગ ઈન કરીને પોતાના સરનામા પર વર્ચ્યૂઅલ ફ્લેગ પીન કરવાનો રહેશે. ત્યારબાદ તેમના લોકેશન પર એક વર્ચ્યુઅલ ફ્લેગ ભારતના નકશામાં દેખાશે તેમ તેમણે ઉમેર્યું હતું.
પ્રવક્તા મંત્રીશ્રીએ રાજ્યની શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કર્યો હતો. તા.૧૫ ઓગસ્ટ સુધી સર્વે શિક્ષકો, અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક રીતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના ડિસ્પ્લે પ્રોફાઈલ(DP) પર રાષ્ટ્રધ્વજને રાખીને #harghartirangaને ટેગ કરવા તેમજ વેબસાઈટ www.harghartiranga.com ઉપર રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી અપલોડ કરવા પણ અપીલ કરી  હતી.
મંત્રીશ્રીએ તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ-૨૦૨૨ એમ આ ત્રિ-દિવસીય અભિયાન "હર ઘર તિરંગા"ના સુદ્રઢ આયોજન માટે સૌ નાગરિકો, સામાજિક અગ્રણીઓ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓ, વેપારીઓ તેમજ પદાધિકારી અધિકારીશ્રીઓએ સહભાગી થવા આહવાન કર્યું હતું. રાજ્યના દરેક ઘર સુધી રાષ્ટ્રધ્વજ પહોંચે તે માટે રાજ્ય સરકારે સુપેરે આયોજન કર્યું છે. નાગરિકો રાષ્ટ્રધ્વજની ખરીદી કરી તેમના ઘર ઉપર ફરકાવે તે માટે રાજ્યભરમાં જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ તેમણે રાષ્ટ્રધ્વજનું અપમાન થાય નહિ તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું અને દરેક નાગરીક ઘર, દુકાન, ઓફિસ અને તમામ સરકારી તથા ખાનગી સંકુલોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં નાગરિકોને સહભાગી થવા પ્રવક્તા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

(5:31 pm IST)