Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

પશુઓમાં જોવા મળેલ લમ્પી સ્કીન ડીસીઝ સંદર્ભે રાજય સરકાર સતર્ક: રાજ્યના ૨૦ જિલ્લાઓના ૨૧૮૯ ગામોના ૫૭,૬૭૭ પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા તે તમામ પશુઓને સારવાર અપાઈ : પ્રવકતા મંત્રી જીતુભાઈ વાધાણી

નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી ૧૧.૬૮ લાખથી વધુ પશુઓમાં રસીકરણ: પશુપાલકોને તાત્કાલિક સારવાર હેતુસર ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ૧૯૬૨ કાર્યરત: પશુપાલન ખાતાના અધિકારીઓના ૨૪ કલાક મોનીટરીંગ સાથે SEOC – ગાંધીનગર ખાતે ૨૪ કલાક ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત: રોગની સારવાર અને નિયંત્રણ માટે રાજય કક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરાઇ

ગાંધીનગર: પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાધાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં પશુઓમાં લમ્પી સ્કીન ડિસિઝ રોગના લક્ષણો જણાતા તે જ દિવસથી રાજ્ય સરકારે સતર્કતા દાખવીને પશુપાલન વિભાગના અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં પશુઓને સત્વરે સારવાર પુરી પાડીને રસીકરણ પણ કરવામાં આવે છે. એટલું જ નહી, રોગિષ્ઠ પશુઓને આઈસોલેશનમાં રાખવા સાથે સંપૂર્ણ તકેદારી સાથે યોગ્ય વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવે છે, જેથી કરીને અન્ય પશુઓમાં રોગ પ્રસરે નહી. પશુપાલકોએ સહેજપણ ગભરાયા સિવાય માત્ર સતર્ક રહી તકેદારી રાખવા અનુરોધ છે.
મંત્રીશ્રી એ ઉમેર્યું કે, રાજ્યના અસરગ્રસ્ત એવા કચ્છ જિલ્લાની મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે મુલાકાત લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા પણ કરી છે. રાજયના પશુપાલન મંત્રી શ્રી રાધવજીભાઈ પટેલ દ્વારા પણ સતત મોનીટરીગ કરવામાં આવી રહ્યુ છે.મુખ્ય સચિવ શ્રી દ્રારા સતત મોનીટરીંગ કરીને રોજબરોજ સમીક્ષા પણ કરવામાં આવે છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજયમાં લમ્પી રોગના નિયંત્રણ અને જરૂરી સારવાર માટે માર્ગદર્શન આપવાના હેતુસર કામધેનુ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર શ્રી નરેશ કેલાવાલાના અધ્યક્ષ સ્થાને સાત સભ્યોની રાજય કક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા સારવાર સંદર્ભે જે પણ ગાઇડલાઇન મળશે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજયમાં હાલની સ્થિતિએ અત્યાર સુધીમાં કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વલસાડ અને મહેસાણા મળી કુલ રાજયના કુલ ૨૦ જિલ્લાઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે. આ ૨૦ જિલ્લાઓના અસરગ્રસ્ત ૨૧૮૯ ગામોમાં ૫૭,૬૭૭ પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે તે તમામ પશુઓને સારવાર આપવામાં આવી છે. તે પૈકી ૪૧,૦૬૫ પશુઓ સાજા થઈ ગયા છે અને ૧૪,૯૭૩ પશુઓ ફોલોઅપ સારવાર હેઠળ છે. અત્યાર સુધીનાં રોગચાળા અહેવાલ મુજબ રાજયમાં કુલ ૧૬૩૯ પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મૃત્યું નોધાયા છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી ૧૧.૬૮ લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવેલ છે અને હાલમાં જીલ્લા કક્ષાએ ૧૦.૭૯ લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે. મૃત  પશુઓના મૃત દેહોનો નિકાલ પણ વૈજ્ઞાનિક ઢબે થાય એવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે, આ ૨૦ જિલ્લાઓમાં પશુપાલન ખાતાના પશુચિકિત્સા અધિકારીઓ અને પશુધન નિરિક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ છે. વધારાના આઉટસોર્સ પશુચિકિત્સકોને દસ ગામ દીઠ મોબાઈલ પશુ દવાખાનાના વાહન સહિત આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, પશુપાલકોને આ રોગ સંદર્ભે સત્વરે માહિતી મળી રહે તે આશય થી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર (SEOC)  ખાતે રાજય કક્ષાનો કન્ટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયો છે. આ કન્ટ્રોલ રૂમનું સુપરવિઝન ફીશરીઝ કમિશ્નર શ્રી નીતીન સાંગવાન દ્વારા કરવામાં આવી રહ્યુ છે. એટલું જ નહી,પશુપાલકોને આ રોગમાં તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી માટે ટોલ ફ્રી હેલ્પલાઈન ૧૯૬૨ શરૂ કરાયો છે.જેના દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે.


 

(5:27 pm IST)