Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

વડોદરાના મહારાણીની રાહબરી હેઠળ કિન્‍નરોના ઉત્‍થાન અને રોજગારી માટે LGBT કાફે શરૂ કરાશે

ગાયકવાડ ચિમનાબાઇ મહિલાસ્ત્રી ઉદ્યોગાલયના વાઇસ પ્રેસીડેન્‍ટ મહારાણી રાધિકારાજેએ પહેલ કરી

વડોદરાઃ વડોદરા રાજ્‍યના સર સયાજીરાવ ગાયકવાડે કિન્‍નરોના ઉત્‍થાન માટુ ઘણી જ કામગીરી કરેલ તેના પગલે મહારાણી રાધિકારાજે કિન્‍નરોનું સન્‍માન જળવાય અને તેમને રોજગારી મળી રહે તે હેતુથી વડોદરામાં એલજીબીટીક્‍યુ સમુદાયના લોકો માટે કાફે ચલાવાશે. જેમાં લેસ્‍બિયન, ગે, બાયસેક્‍સ્‍યુઅલ, ટ્રાન્‍સજેન્‍ડર અને કિન્‍નરો કામ કરશે. આ લોકો ફુડ બનાવશે અને સર્વ કરશે જેનું નામ ‘ગજરા' રાખ્‍યુ છે.

વડોદરાના રાજવી પરિવારનો ઈતિહાસ એવો રહ્યો છે કે, તેઓએ અત્યાર સુધી સમાજ માટે જે પણ કર્યું છે તે ખાસ બની રહ્યું છે. એક સમયે વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ પોતાના નાગરિકોને વર્લ્ડક્લાસ સુવિધાઓ અને શિક્ષણ આપતા હતા. ત્યારે હવે નવી રાજવી પેઢીએ પણ આ પરંપરા જાળવી રાખી છે. વડોદરાના રાજવી પરિવારે એ પહેલ કરી છે, જે અત્યાર સુધી દેશના કોઈ પણ રાજવી પરિવારે નથી કર્યું. રાજવી પરિવાર LGBTQ કમ્યુનિટીના ઉત્થાન માટે ખાસ કેફે શરૂ કરશે. જેમાં LGBT ક્મ્યુનિટીના લોકો જ ફૂડ બનાવશે અને સર્વ પણ કરશે.

કેફેને ગજરા નામ અપાયું

વડોદરાના રાજવી પરિવારની આ એક યુનિક પહેલ છે. જેમાં LGBTQ સમાજ કામ કરતો જોવા મળશે. લેસ્બિયન, ગે, બાયસેક્સુઅલ, ટ્રેન્સજેન્ડર અને કિન્નરોને સમાજના મૂળ પ્રવાહમાં સાથે જોડવા આ કેફે શરૂ કરવામાં આવનાર છે. જેને ‘ગજરા’ નામ આપવામાં આવ્યુ છે. વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડ ચિમનાબાઇ મહિલા સ્ત્રી ઉદ્યોગાલયના વાઇસ પ્રેસિડેન્ટ છે. જેમણે આ પહેલ શરૂ કરી છે, જેથી LGBTQ કમ્યુનિટીના લોકોને કોઈની સામે હાથ ફેલાવવા ન પડે, અને તેઓ પણ આત્મનિર્ભર થઈને રોજગારી મેળવે.

LGBTQ સમાન હક મળે તે જરૂરી છે

આ કેફે વિશે મહારાણી રાધિકારાજે ગાયકવાડ કહે છે કે, મારો જન્મ થાઇલેન્ડમાં થયો છે અને હું વારંવાર થાઇલેન્ડ જાઉં છું. ત્યાં LGBTQ કમ્યુનિટીના લોકોનું ખૂબ સન્માન જળવાય છે. તેમની સાથે કોઇ ભેદભાવ નથી રખાતો અને રોજગારીની સમાન તકો મળે. આપણે ત્યાં આવું નથી થતું, પણ હવે આવા લોકોને સમાનતા મળે એ માટે અમે સ્પેશિયલ કૅફે શરૂ કરી રહ્યા છીએ. આ કેફેમાં LGBT ક્મ્યુનિટીના લોકો જ ફૂડ બનાવશે અને સર્વ પણ કરશે.

ગાયકવાડી રાજમાં પણ કિન્નરોનું માનપાન જળવાતું

18 અને 19 મી સદીમાં વડોદરા શિક્ષણ ક્ષેત્રે અવ્વલ ગણાયું, કારણ કે મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે શિક્ષણ પર ભાર મૂક્યો હતો. 21મી સદીમાં પણ ન મળી શકે તેવુ શિક્ષણ અને સુવિધા તેઓ એ સમયે પૂરી પાડતા હતા. જ્યાં કલાકારોને પણ પ્લેટફોર્મ મળ્યુ હતું. સર સયાજીરાવે કિન્નરોના ઉત્થાન માટે પણ કામગીરી કરી હતી. કિન્નરોને પણ સામાન્ય લોકોની જેમ સહશિક્ષણ અને સ્વતંત્રતા અપાઈ હતી. તેમને વિશેષ અધિકારો પણ હતા જેથી તેમણે ભિક્ષા માગવી ન પડે.

(4:42 pm IST)