Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

૧૦ હજારથી ઉપરના વીજ બીલોનું પેમેન્‍ટ ફરજીયાત ઓનલાઇન

બીલ કલેકશન સિસ્‍ટમ વધુ સરળ અને રોકડમુકત કરવા પ્રયાસ : જીયુવીએનએલ ટુંક સમયમાં જ શરૂ કરશે અમલીકરણ

વડોદરા, તા.૩: ટુંક સમયમાં જ લાઇનમાં ઉભા રહીને વીજ બીલ ભરવાનું ભૂતકાળ બની જશે. રાજય સરકારની વીજ વીતરણ કંપનીઓ (ડીસ્‍કોમ) એ ૧૦,૦૦૦ રૂપિયા અથવા તેનાથી વધારેના વીજબીલોના પેમેન્‍ટ ફરજીયાત ઓનલાઇન કરવાનુ ગ્રાહકો માટે ફરજીયાત બનાવવાનું નક્કી કર્યુ છે.

આગામી મહિનાઓમાં વીજ વીતરણ કંપનીઓ ૧૦,૦૦૦થી ઓછા વીજ બીલનું પેમેન્‍ટ પણ ઓનલાઇન કરી શકે છે. જીયુવીએનએલના સીએફઓ અને જીએમ (ફાઇનાન્‍સ) શુભદીપ સેને કહ્યું કે બીલ કલેકશન પેમેન્‍ટ પધ્‍ધતિ ગ્રાહકો અને ડીસ્‍કોમમાં બંને માટે સારામાં સારો વિકલ્‍પ છે. ૧૦ હજારથી વધુના બીલ ડીજીટલી પેમેન્‍ટ કરવા ફરજીયાત થઇ ગયા છે અને ટુંક સમયમાં જ આખી સીસ્‍ટમ ડીજીટલ કરવા માટેના નિર્ણયો લેવામાં આવશે.

મધ્‍યગુજરાત વીજ કંપની (એમજીવીસીએલ)એ દરેક ઔદ્યોગીક કનેકશન ધરાવનાર માટે વીજ બીલનું પેમેન્‍ટ ઓનલાઇન કરવાનુ ફરજીયાત બનાવી દીધુ છે. એમજીવીસીએલની નોટીસમાં કહેવાયુ છે કે દરેક શ્રેણીના ગ્રાહકો જેમનું વીજ બીલ ૧૦ હજારથી વધારે હોય તેમણે તેનું પેમેન્‍ટ ૨૨ ઓગષ્‍ટ પછી ફરજીયાત ઓનલાઇન કરવાનું રહેશે. અન્‍ય ડીસ્‍કોમ્‍સ પણ ટુંક સમયમાં જ આવી નોટીસો બહાર પાડશે. ગ્રાહકો પોતાનુ બીલ નેટ બેંકીંગ, ઇ-વોલેટ, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, યુપીઆઇ, આરજીટીજીએસ અથવા એનઇએફટી દ્વારા ભરી શકશે અને તેના માટેના કોઇ કન્‍વીનીયન્‍સ ચાર્જીસ નહી લેવાય તેમ પણ શ્રી સેને જણાવ્‍યુ હતું.

અત્‍યારે ડીસ્‍કોમના ૬૦ ટકા બીલો ડીજીટલી ચૂકવાય છે જયારે બાકીના રોકડમાં ભરાય છે. આગામી મહિનાઓમાં કુલ કલેકશનના ૯૦ ટકા ડીજીટલી ભરાય તેવી શકયતા છે. શુભદીપ સેનનું કહેવુ છે કે અમે ટોટલ રીટેઇલ કલેકશનને ડીજીટલ બનાવવા માંગીએ છીએ. તેનાથી વીજ વીતરણ કંપનીઓની માનવ શકિત બચશે અને ગ્રાહકોને બીલ સેન્‍ટરો સુધી જઇને લાઇનમાં ઉભા નહી રહેવુ પડે.

(10:45 am IST)