Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

પ્રાકૃતિક ખેતીથી ધરતીમાતાનું જતન, ગૌમાતાનું પાલન અને જનઆરોગ્‍યની જાળવણી : રાજ્‍યપાલ

રાજકોટ ગુરૂકુળના અમૃત મહોત્‍સવ નિમિતે પોઇચામાં સંસ્‍કૃતના વિદ્વાનોનું સન્‍માન : સંસ્‍કૃતને સૌથી પ્રાચીન અને ઐશ્વર્ય ભાષા ગણાવતા આચાર્ય દેવવ્રતજી

રાજકોટ સ્‍વામિનારાયણ ગુરૂકુળના અમૃત મહોત્‍સવ નિમિતે નર્મદા જિલ્લાના પોઇચા નિલકંઠધામ ખાતે યોજાયેલ સંસ્‍કૃત શાષાાર્થ અને વિદ્વાનોના સન્‍માન પ્રસંગે રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, નિલકંઠધામના સ્‍થાપક ધર્મવલ્લભદાસજી સ્‍વામી, પ્રભુ સ્‍વામી, સ્‍વરૂપદાસજી સ્‍વામી વગેરે ઉપસ્‍થિત રહેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ તા. ૩ : ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ગઇકાલે નર્મદા જિલ્લાના નીલકંઠધામ-પોઇચા ખાતે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્‍થાનના ૭૫ વર્ષના અમૃત મહોત્‍સવના ઉપક્રમે આયોજીત રાષ્‍ટ્રીય સંસ્‍કૃત શાષાાર્થ અને વિદ્વાનોનો સન્‍માન સમારોહમાં ઉપસ્‍થિત રહ્યા હતા.  આ પ્રસંગે રાજયપાલશ્રીએ નિલકંઠધામ ખાતે ગૌમાતાનુ પૂજન તથા તીર્થાલયનું ઉદઘાટન પણ કર્યું હતું. 

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સંસ્‍કૃતભાષાનો મહિમા વર્ણવતા જણાવ્‍યું હતું કે, દરેક ભાષાઓની જનની સંસ્‍કૃત છે. દુનિયાની સૌથી પુરાતન અને ઈશ્વરીય ભાષા સંસ્‍કૃત છે. સંસ્‍કૃતથી પરિપુર્ણ ભાષા કોઈ નથી. નિલકંઠધામના આંગણે રાષ્ટ્રીય સંસ્‍કૃત શાષાાર્થ સમારોહ યોજવા બદલ સંતગણને અભિનંદન આપ્‍યા હતા.

રાજયપાલશ્રીએ કહ્યું કે, સ્‍વામિનારાયણના સંતોએ ગુરૂકુલની શાષા પરંપરાને જીવત રાખી છે. યુવાપેઢીને વ્‍યસનમુકિત, જળ બચાવો, ગૌમાતાનું સંવર્ધનની સાથે રાષ્ટ્રભકિતની સાથે નાગરિકોમાં ઉચ્‍ચ સંસ્‍કારોનું નિર્માણ સ્‍વામિનારાયણની સંસ્‍થાઓ કરી રહી છે. આ સંસ્‍થાઓમાં તપસ્‍વી જીવન સૌથી મોટું આદર્શ છે. દુનિયાની જે જાતિ અને કોમમાં સંગઠિતતા, પ્રેમભાવની સાથે વિચારોની એકતા હોય છે તે સમાજ અને રાષ્ટ્ર પ્રગતિ કરે છે.

પ્રાકૃતિક ખેતીનું મહત્‍વ જણાવતા રાજયપાલશ્રીએ જણાવ્‍યું કે, આ ખેતીથી ઘરતીમાતાનું જતન, દેશી ગૌમાતાનું પાલન અને રક્ષણની સાથે લોકોનું આરોગ્‍ય પણ જળવાય રહે છે. પ્રાકૃતિક ખેતીના કાર્યમાં સ્‍વામિનારાયણના સંતો પણ યોગદાન આપી રહ્યા હોવાની વિગતો તેમણે આપી હતી.   

આ પ્રસંગે નિલકંઠધામના સ્‍થાપક ધર્મવલ્લભદાસજી સ્‍વામીએ જણાવ્‍યું હતું કે, માનવ અને રાષ્ટ્રને અનુસાશન કરે તે શાષા છે. રાજકોટ ગુરૂકુલની સ્‍થાપના ૭૫ વર્ષ પુર્ણ થવાના અવસરે ઉજવાય રહેલા અમૃત મહોત્‍સવના અવસરે રાષ્ટ્રીય સંસ્‍કૃત શાષાાર્થનુ આયોજન કરવામાં આવ્‍યું છે.

નિલકંઠધામના આંગણે બે દિવસીય રાષ્ટ્રિય સંસ્‍કૃત શાષાાર્થના અવસરે રાજયપાલશ્રીના હસ્‍તે દેશભરમાંથી આવેલા સંસ્‍કૃત વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ, વિદ્વાનો, પંડિતોનું શિલ્‍ડ આપી સન્‍માન કર્યું હતું.

શ્રીપ્રભુ સ્‍વામી તથા ગુસ્‍કુલ ધર્મજીવન સંત પાઠશાળાના પ્રધાન આચાર્ય અને શાસ્રાર્થના આયોજક સ્‍વરૂપદાસ સ્‍વામીએ સ્‍વામિનારાયણ સંપ્રદાય દર્શન ગ્રંથનું વિમોચન રાજયપાલ પાસે કરાવેલ.

આ અવસરે વડતાલના સ્‍વામિશ્રી સંતવલ્લભદાસજી સ્‍વામી, ઉદ્યોગ અગ્રણીશ્રી લાલજીભાઈ પટેલ, રાકેશભાઈ દુધાત, ઈશ્વરભાઈ ધોળકીયા, ધિરૂભાઈ કોટડીયા, દેશભરની કેન્‍દ્રીય અને રાજયની સંસ્‍કૃત યુનિવર્સિટીઓના સંસ્‍કૃતના વિદ્વાન સર્વશ્રી  કમલેશ ઝા, મધુસૂદન પેન્ના, મુરલી મનોહર પાઠક, રામનારાયણ દ્રિવેદિ, એસ.એસ.ઉપાધ્‍યાય તેમજ અન્‍ય સહિત ૨૦૦થી વધુ વિદ્વાનો, સંસ્‍કૃત વિદ્યાપિઠના વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:38 am IST)