Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ગુજરાતમાં સુકન્‍યા સમૃધ્‍ધી યોજનાના ૧૧.૯ લાખ ખાતા

સેલવાસમાં અભિયાન આરંભ કરાવતામંત્રી દેવુસિંહ ચૌહાણ

અમદાવાદ,તા. ૩ : સુકન્‍યા સમૃદ્ધિ યોજના હેઠળ ‘મારી દીકરી સમૃદ્ધ દીકરી' અભિયાનનો શુભારંભ શ્રી દેવુસિંહ ચૌહાણ, સંચાર રાજયમંત્રીશ્રી દ્વારા ૧૬-૦૬-૨૦૨૨ના રોજ સીલવાસા ખાતે કરવામાં આવ્‍યો હતો. આ યોજના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની દૂરંદેશી છે, જેઓ દીકરીઓના આર્થિક સશક્‍તીકરણ માટે પ્રતિબદ્ધ છે. આ અનોખી યોજના લાખો કન્‍યાઓને ખૂબ જ નજીવી કિંમતે સામાજિક સુરક્ષા પૂરી પાડવાની દિશામાં એક નવીન પહેલ છે. તારીખ ૦૧-૦૮-૨૦૨૨ સુધીમાં, ગુજરાતની વિવિધ પોસ્‍ટ ઓફિસોમાં કુલ ૧૧.૦૯ લાખ સુકન્‍યા સમૃદ્ધિ એકાઉન્‍ટ્‍સ ખોલાવેલ છે જેમાંથી ૨.૩૩ લાખ સુકન્‍યા સમૃદ્ધિ ખાતા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ખોલવામાં આવ્‍યા છે.

સુકન્‍યા સમૃદ્ધિ ખાતું બાળકીના જન્‍મથી લઈને ૧૦ વર્ષની થાય ત્‍યાં સુધી કોઈપણ સમયે તેના નામે ઓછામાં ઓછી રૂ.૨૫૦/-ની ડિપોઝિટ સાથે ખોલી શકાય છે અને ત્‍યારબાદ રૂ.૫૦/-ના ગુણાંકમાં કોઈપણ રકમ જમા કરી શકાય છે. વધુમાં વધુ એક નાણાકીય વર્ષમાં રૂ.૧,૫૦,૦૦૦ જમા કરાવી શકાય છે. આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર લાભ ઉપલબ્‍ધ છે. વધુ માહિતી અથવા સુકન્‍યા સમૃદ્ધિ ખાતું ખોલવા માટે તમારી નજીકની પોસ્‍ટ ઓફિસનો સંપર્ક કરો.

(10:25 am IST)