Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ચાલુ શૈક્ષણિક વર્ષથી ધો.10માં ગણિત વિષયના બે પેપર પૂછાશે : 4 માર્કના અઘરા અને 24 ગુણના એમસીકયૂ પ્રકારના પ્રશ્નો

ગણિત બેઝિક અને ગણિત સ્ટાન્ડર્ડ માટે પરિરૂપ, ગુણભાર, બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરાઈ

 

અમદાવાદ : : ચાલુ શૈક્ષણિક વર્ષથી ધોરણ-10માં ગણિત વિષયમાં બે પ્રકારના પેપર પુછવાનો નિર્ણય લેવાયો છે. જેમાં ગણિત બેઝિક અને ગણિત સ્ટાન્ડર્ડ પ્રકારના બે જુદા જુદા પેપર પુછવામાં આવશે. બોર્ડ દ્વારા ગણિત બેઝિક અને ગણિત સ્ટાન્ડર્ડ માટે પરિરૂપ, ગુણભાર, બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં હાલમાં ધોરણ-10માં ગણિત માટે જે બ્લ્યુ પ્રિન્ટ છે તે ગણિત સ્ટાન્ડર્ડ માટે ગણાશે. જ્યારે ગણિત બેઝિક માટે નવી બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરી છે. જેમાં ખુબ જ અઘરા કહી શકાય તેવા 4 માર્કના પ્રશ્નો હશે. ઉપરાંત 24 ગુણના એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પુછવામાં આવશે.

રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ-10 ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એમ બે પ્રકારના પ્રશ્નપત્રોના વિકલ્પ આપવા માટે સરકાર દ્વારા તાજેતરમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેના ઠરાવમાં જણાવ્યા મુજબ ધોરણ-10નું ગણિત વિષયનું પાઠ્ય પુસ્તક એક સરખુ જ રહેશે. શાળા કક્ષાએ કે વર્ગખંડ કક્ષાએ આ અંગેની શૈક્ષણિક પધ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. ધોરણ-10ના ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકના પ્રશ્નપત્ર અલગ-અલગ પ્રકારના રહેશે.

બંને પ્રકારના પરિરૂપમાં પ્રકરણવાર ગુણભાર, પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર તેમજ હેતુઓ પ્રમાણે ગુણભાર અલગ અલગ રાખવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2019-20થી અમલી બનેલી પરીક્ષા પધ્ધતિ મુજબ ધોરણ-10 ગણિત વિષયનું પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર, બ્લ્યુ પ્રિન્ટ અને નમુનાનું પ્રશ્નપત્ર તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓની કચેરીઓમાં તેમના જિલ્લાની સ્કૂલોને જાણ માટે મોકલી આપવામાં આવેલું છે. આ ધોરણ-10 ગણિત વિષયનું પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર, બ્લ્યુપ્રિન્ટ અને નમુનાનું પ્રશ્નપત્ર શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ-10ની પરીક્ષા માટે ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ તરીકે ગણવાનું રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ-10ની પરીક્ષા માટે ગણિત વિષયમાં ગણિત બેઝિક માટે પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર, બ્લ્યુપ્રિન્ટ અને નમુનાનું પ્રશ્નપત્ર તજજ્ઞો દ્વારા તૈયાર કરાવવામાં આવ્યું છે. ગણિત બેઝિકમાં જ્ઞાન આધારીત 32 ગુણના 40 ટકા પ્રશ્નો પુછાશે. જ્યારે સમજ આધારીત 28 ગુણના 35 ટકા પ્રશ્નો અને ઉપયોજનના 16 ગુણના 20 ટકા પ્રશ્નો પુછાશે. જ્યારે અઘરા કહી શકાય તેવા 4 ગુણના પ્રશ્નો હશે.

ધોરણ-10 બેઝિકમાં 24 ગુણના 24 હેતુલક્ષી પ્રશ્નો હશે. 20 ગુણના 10 ટૂંક જવાબી પ્રશ્નો અને 24 ગુણના 8 ટૂંક જવાબી પ્રશ્નો હશે. જ્યારે 12 ગુણના 3 લાંબા પ્રશ્નો પુછવામાં આવશે. આમ, ગણિત બેઝિકના પેપરમાં 80 ગુણના કુલ 45 પ્રશ્નો પુછવાનું નક્કી કરાયું છે. આ માટે બોર્ડ દ્વારા બેઝિક ગણિતના નમુનાનો પ્રશ્નપત્ર પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓ અત્યારથી જ તેની તૈયારી કરી શકે.

(9:49 pm IST)