Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

વિરમગામ,માંડલ, દેત્રોજ સહિત અમદાવાદ જીલ્લામાં હર્ષોલ્લાસથી રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

ભાઇઓએ રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનોને રોકડ રકમ, સાડી, ડ્રેસ, સોના ચાંદીની વસ્તુ સહીતની ભેટ આપી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :ભાઇ-બહેનના પવિત્ર સંબંધના પ્રતીકરૂપી રક્ષાબંધન પર્વની વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકા સહિત અમદાવાદ જીલ્લામાં હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણી પૂનમ એટલે રક્ષાબંધનના પાવન દિવસે વહેલી સવારથી બહેનોએ ભાઇના ઘરે જઇને ભાઇને કુમકુમ તિલક કરીને રાખડી બાંધી મીઠાઇ કે પેંડા ખવડાવ્યા હતા અને શુભકામના પાઠવી હતી. ભાઇઓએ પણ રક્ષાબંધન પર્વ નિમિત્તે  બહેનોને રોકડ રકમ, સાડી, ડ્રેસ, સોના ચાંદીની વસ્તુ સહીતની ભેટ આપી હતી. બહેનો દ્વારા ભાઇઓ ઉપરાંત વાહનોને પણ રાખડી બાંધવામાં આવી હતી. આ ઉપરાંત વિરમગામ શહેરના મંદિરોમાં રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને આરતી ઉતારવામાં આવી હતી.

  વહેલી સવારથી ભકતોએ મંદિરમાં ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રક્ષાબંધનના દિવસે રૂબરૂ ન આવી શકનાર બહેનોએ પહેલેથી જ કુરીયર કે પોસ્ટ દ્વારા ભાઇના ઘરે રાખડી પહોચાડી હતી. આજના ડીઝીટલ યુગમા રક્ષાબંધન પર્વની શુભકામના પાઠવવા માટે વોટ્સઅપ, ફેસબુક જેવા સોશિયલ મીડિયાનો  ઉપયોગ કરવામાં આવ્યો હતો. પૌરાણિક કથાઓની સાથે ભારતીય ઈતિહાસમાં પણ રક્ષાબંધનના અલગ-અલગ સ્વરૂપોની ઝાંખી મળી આવે છે. પરંતુ સમયની સાથે સાથે તેમાં પણ પરિવર્તન થઈ રહ્યું છે. હવે આ પર્વ સંપુર્ણ રીતે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક બની ગયું છે. જેની અંદર બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ આખી જીંદગી તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ ફક્ત વર્ષ દરમિયાન એક જ વખત ઉજવાવામાં આવતું પર્વ નથી પરંતુ ભાઈ આખી જીંદગી દરમિયાન પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.

(6:08 pm IST)