Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ખાતામાં પૈસા જમા કરવાના નામે ડોક્ટરની સાથે ઠગાઈ

કોરોના કાળમાં સાઈબર ક્રિમિનલ્સ સક્રિય : હું ભારતીય આર્મીમાં ફરજ બજાવું છું, તમારા ખાતામાં પૈસા જમા કરાવવા છે, આવો કોઈ ફોન છેતરાવવું નહીં

અમદાવાદ, તા. ૩ : છેલ્લા કેટલાક સમયથી સાઈબર ક્રાઈમ કરતા ગઠિયાઓનો આતંક ધીમે ધીમે વધી રહ્યો છે. દરરોજ નવી નવી મૉડેસ ઑપરેન્ડીથી ગઠિયાઓ લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે. હવે સિવિલ હૉસ્પિટલના ડોક્ટર પણ સાઇબર ક્રાઈમનો ભોગ બન્યાછે.

ધ્રુવ બારુંં નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે કે ગત ૨૭ મેના દિવસે તેઓ સિવિલ હૉસ્પિટલમાં ફરજ પર હાજર હતા તે દરમિયાન તેમના મોબાઈલ પર સુહાસ માનકર નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. જે પોતે આર્મીમાં નોકરી કરે છે અને ફરિયાદીના ખાતામાં રૂપિયા ૧૦,૦૦૦ જમા કરવાની વાત તેમના પિતા સાથે થઇ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ વ્યક્તિએ ફોન કટ કરી દીધો હતો.

થોડીવારમાં ફરિયાદીના વોટ્સએપ નંબર પર રિસિવ મની લખીને એક કોડ આવ્યો હતો. આરોપીએ ફરિયાદીને આ code paytmમાં સ્કેન કરવા માટે કહ્યું હતું. જેથી ફરિયાદીએ તેમ કરતાં જ તેના બેન્ક ખાતામાંથી રૂપિયા ૧૦,૦૦૦ ઉપડી ગયા હતા.

ત્યારબાદ ફરીથી આ ગઠિયાએ ફરિયાદીને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તમે જે ટ્રાન્ઝેક્શન કર્યું છે તેનો સમય પૂર્ણ થઈ ગયો છે, જેથી તમારે ૧૫ સેકન્ડની અંદર બીજું ટ્રાન્ઝેકશન કરવું પડશે. ફરિયાદીએ બીજું ટ્રાન્ઝેક્શન કરતા જ તેના એકાઉન્ટમાંથી બીજા દસ હજાર રૂપિયા ડેબિટ થઈ ગયા હતા. ૨૦,૦૦૦ રૂપિયા ફરિયાદીના ખાતામાંથી ઉપડી જતા તેણે આ ગઠિયાને ફોન કર્યો હતો. જોકે, ત્યાર બાદ ગઠિયાએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આ મામલે ડૉક્ટરે પોલીસને જાણ કરી છે.

(7:28 pm IST)