Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

સુરતના કતારગામ, વરાછા, સરથાણા વિસ્‍તારમાં કોરોના પ્રસરતો અટકાવવા 7 દિવસ પાનના ગલ્લા બંધ રાખવા નિર્ણયઃ રાજકોટમાં પણ ચા-પાનની દુકાનો બંધ થવાની શક્‍યતા

સુરતઃ ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણનાં કેસ વધતા જાય છે ત્યારે અમદાવાદ અને સુરત હાલમાં સૌથી આગળ નીકળી ગયું છે. એવામાં સુરત મહાનગરપાલિકાએ શહેરનાં કતારગામ, વરાછા તથા સરથાણા વિસ્તારમાં 7 દિવસ સુધી પાનનાં ગલ્લાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ લગાવાયો

કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા માટે શહેરનાં મહાનગરપાલિકનાં નોર્થ ઝોન (કતારગામ), ઇસ્ટ ઝોન- એ (વરાછા) તથા ઇસ્ટ ઝોન-બી (સરથાણા) વિસ્તારમાં પાનનાં લારી/ગલ્લા તથા પાનની દુકાનો 7 દિવસ સુધી બંધ રાખવા તથા અન્ય તમામ વિસ્તારોમાં પાનનાં લારી/ગલ્લાની દુકાનોમાં 4થી વધારે લોકોની ભીડ ન કરવા તથા જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પડાયું

અત્રે નોંધનીય છે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે Covid-19 ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવેલ છે. આ માર્ગદર્શિકા અંતર્ગત સુરતમાં આવેલા તમામ પાનનાં લારી/ગલ્લાઓ તથા પાનની દુકાનોમાં લોકોની ભીડ થાય છે. તેઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરવામાં આવતું તેમજ માસ્ક પણ પહેરવામાં નથી આવતું ઉપરાંત રસ્તાઓ પર પાન-માવા ખાઇને થુંકતા હોવાનું પણ ધ્ચાનમાં લેવામાં આવ્યું છે જેને લીધે સુરત મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

(5:29 pm IST)