Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

અમદાવાદના નિકોલમાં રહેતા નરોડા પોલીસ સ્‍ટેશનના એએસઆઇ જીતેન્‍દ્ર પાટીલે બિમારી સબબ લીધેલી રજાનો ઉપયોગ આરામ માટે નહીં પરંતુ જાહેરમાં દારૂ પીવા માટે કર્યોઃ જનતાએ કાયદાનું ભાન કરાવ્‍યુ

અમદાવાદઃ સામાન્ય સંજોગોમાં દારૂ પીધેલાને પોલીસ પકડતી હોય છે તેવું તમે સાંભળ્યું હશે. પણ અમદાવાદનાં નિકોલ પોલીસે આ વખતે દારૂ પીધેલી હાલતમાં આસિટન્ટ સબ ઇન્સ્પેકટર ને પકડ્યા અને પછી જોવા જેવી થઇ હતી. કેમ કે આ પોલીસ મહાશયનો વીડિયો દારૂ પીધેલી હાલત સોશિયલ મીડિયામાં એટલો વાઇરલ થયો કે પોલીસએ પીધેલા પોલીસ કર્મીને તાત્કાલિક ઝડપી કાયદેસર કાર્યવાહી કરવી પડી છે.

ગુજરાત રાજ્યમાં ભલે દારૂબંધી રહી અને આ દારૂબંધીનો અમલ પોલીસ કરાવે છે તે પણ હકીકત છે. પરંતુ સોશિયલ મીડિયામાં નરોડા પોલીસના ASIનો દારૂ પીધેલી હાલતનો વીડિયો વાઇરલ થતા દારૂબંધી પર સવાલ ઉભા થયા છે. નિકોલમાં રહેતા અને નરોડામાં ફરજ બજાવતા ASI જીતેન્દ્ર પાટીલ બીમાર હોવાના કારણે બે મહિનાથી રજા પર હતા. પરંતુ રજાનો ઉપયોગ તેમને આરામ માટે નહિ પણ જાહેરમાં દારૂ પીવા માટે કર્યો અને જાહેરમાં બેસીને દારૂની મજા લેતા જોવા મળતા જ કાયદાનું ભાન જનતાએ કરાવ્યું હતું.

જીતેન્દ્ર પાટીલ પચીસ વર્ષથી પોલીસમાં ફરજ બજાવે છે અને બે મહિનાથી બીમારીના કારણે રજા પર હતા. જોકે રજા દરમ્યાન સ્કૂલની બહાર જાહેરમાં દારૂ પીતા આજુબાજુ રહીશો પણ કટાળ્યાં હતા. જ્યારે ત્યાં હાજર સ્થાનિકએ તેમના આ પ્રકાર ના વર્તન અંગે પૂછતા નશાની હાલતમાં  જીતેન્દ્ર પાટીલએ પોતાનું પોલીસનું આઈ કાર્ડ બતાવી પોતે વટથી જ નોકરી કરશે.. પોતાની મોટી મોટી ઓળખાણ હોવાનું કહીને  જ્યા ફરિયાદ કરવી હોય ત્યાં ફરિયાદ કરવાની ધમકી આપી હતી.

વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા નિકોલ પોલીસે જાહેરમાં દારૂ પીતા ASI સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પરંતુ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ASI જીતેન્દ્ર પાટીલના દીકરાનું અવસાન થયું હોવાથી તેઓ માનસિક તણાવમાં દારૂ પીતા હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે.

(5:27 pm IST)