Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

તલોદની સરકારી હોસ્પિટલના કેમ્પસમાં ગટરના ગંદા પાણીનો ભરાવો થઇ જતા લોકોને રોગચાળો ફેલાવાનો ભય

તલોદ:ખાતેની સરકારી રેફરલ હોસ્પિટલના કેમ્પસમાં ગટરના ગંદા પાણીનો થયેલ ભરાવો પાણીજન્ય રોગચાળો ફેલાવશે. તેવી ભિતી આમપ્રજાને તથા હોસ્પિટલ સ્ટાફને પણ હચમચાવી રહી છે. સ્ટાફ કવાર્ટર્સના ગટરના જોડણની લાઈન અન્ય બાંધકામ દરમ્યાન તૂટી ગઈ છે. પરંતુ તેને રીપેર કરવાની તસ્દી પાઈપ તોડીને જનારી એજન્સીએ લીધી નથી. જેથી અહીં દરદીઓની સારવારને બદલે દરદોને પોષણ મળી રહ્યું હોય તેમ લાગી રહ્યુ છે. ગટરના પાણીથી ભરાયેલી એક ખાઈ આગામી દિવસોમાં જીવલેણ સાબિત થાય તેવી દહેશત ઉદ્દભવી છે.

તલોદ સરકારી હોસ્પિટલ કે જે સામૂહિત આરોગ્ય કેન્દ્રના નામે ઓળખાય છે. જ્યાં આખા તાલુકાના અને અન્ય તાલુકાના પણ દર્દીઓ દાકતરી સારવાર માટે આવે છે. હોસ્પિટલના કેમ્પસમાં નવા સ્ટાફ કર્વાટર્સના નિર્માણ કામ વખતે ભારેખમ મશીનરીના મારથી અન્ડર ગ્રાઉન્ડ ગટર લાઈનથી એક મોટી પાઈપ તૂટી જવા પામી હતી. અહીં સ્ટાફ કર્વાટ્સ ચાલુ છે તેમાં હોસ્પિટલ સ્ટાફ પરિવારો સાથે રહે છે. પરિવારો પણ ગટરની તૂટેલી પાઈપ અને તેમાંથી નીકળીને એક ખાડામાં ભરાઈ રહેલા દુષિત પાણીથી ત્રાહિમામ છે. માખી-મચ્છર અને અન્ય જીવજંતુઓને પોષણ આપી રહ્યું છે. પરીણામે નજીકના ભવિષ્યમાં અહીં પાણીજન્ય રોગચાળો પણ જાહેર જન આરોગ્યને ભરડામાં લેશે. ચોમાસામાં વરસાદી પાણીનો અહીં ભારે ભરાવો થશે ત્યારે ક્યાંક પીવાના પાણી પુરવઠાની લાઈનમાં અહીં ભરાતુ ગંદુ પાણી ભળી જશે. જે-તે કોન્ટ્રાક્ટ એજન્સીએ બ્રેકેજ થયેલી પાઈપલાઈનનું સમારકામ કરી દેવાની ફરજ નિભાવી નહીં હોવાથી આવી અવદશા ઉદ્દભવી હોવાની સંભાવના છે.

(5:20 pm IST)