Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ઈડરના કૃષ્ણનગરની સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ તિજોરીમાંથી સોનાના દાગીનાની ઉઠાંતરી કરી છૂમંતર થઇ જતા પોલીસ ફરિયાદ

ઈડર: શહેરના કૃષ્ણનગરની એક સોસાયટીના બંધ મકાનમાં બુધવારની રાત્રે ત્રાટકેલા તસ્કરો ઘરના પાછળના ખંડમાં મુકેલી તીજોરીમાંથી સોનાના ઘરેણાં તથા મોબાઈલ અને રોકડ રકમ મળી રૂપિયા ૯૭ હજારની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. ઘટના અંગે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

કૃષ્ણનગરમાં આવેલી શિવમ સીટી સોસાયટીમાં રહેતા નાગજીભાઈ માહાકાભાઈ રબારીના મકાનમાં બુધવારની રાત્રિથી ગુરૂવારે વહેલી સવારના કોઈ પણ સમય દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. પરિવારના સભ્યો ઘરના ધાબા ઉપર સુતા હતા તે તકનો લાભ ઉઠાવી તસ્કરો મુખ્ય દરવાજાની જાળી ખોલી ઘરમાં પ્રવેશ્યા હતા અને પાછળના ખંડમાં મુકેલ તીજોરીમાંથી રૂપિયા ૪૫૦૦૦ની કિંમતનો દોઢ તોલોનો સોનાનો દોરો તથા ૧૫૦૦૦ની વીંટી તેમજ ડ્રોઅરમાં મુકેલ ૨૫૦૦૦ રોકડા ઉપરાંત ઘર માલિકના પુત્ર અનિલનું ૭૦૦૦ની રોકડ સાથેનું પર્સ તથા તેનો ૫૦૦૦નો મોબાઈલ મળી કુલ રૂપિયા ૯૭૦૦૦ની મત્તાની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતાં.સામાજીક કામે બહાર ગામ ગયેલા મકાન માલિક નાગજીભાઈ વહેલી સવારે પરત ફરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. બાદમાં ઈડર પોલીસને જાણ કરાતાંપોલીસે દોડી આવી પંચનામાની વિધી બાદ મકાન માલિકની ફરિયાદ આધારે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધ્યો હતો.

(5:19 pm IST)