Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

વડાપ્રધાનની જાહેરાતના ઘઉં-ચોખા મફત મળશે પણ ગુજરાત સરકારના નહિઃ દુકાનદારો પાસે 'ચલણ' ભરાવાનું શરૂ

દુકાનદારો પાસે હાલ ફુલ સ્ટોકઃ એપીએલ-૧ કાર્ડ ધારકોને નથી આપવાનાઃ ધક્કો ન ખાવા વિનંતી... : ડીએસઓ કહે છે હજુ કોઈ સૂચના આવી નથીઃ માત્ર ચલણ ભરાવાની સૂચના આવી છે

રાજકોટ, તા. ૩ :. તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૮૦ કરોડની જનતાને નવેમ્બર મહિના સુધી વ્યકિતદીઠ ૫ કિલો ઘઉં, ૩ાા કિલો ચોખા, ૧ કિલો ચણા આપવાની જાહેરાત થઈ અને તે સંદર્ભે દરેક રાજ્યોએ તૈયારી શરૂ કરી દીધી છે.

દરમિયાન રાજકોટમાં દરેક સસ્તા અનાજના દુકાનદારોને ત્યાં કાર્ડ હોલ્ડરોની પૂછપરછ શરૂ થઈ છે.

દરમિયાન પૂરવઠાના સૂત્રો અને સસ્તા અનાજના દુકાનદાર એસો.ના સૂત્રોના ઉમેર્યા પ્રમાણે કેન્દ્ર સરકારના ઘઉં, ચોખા, ચણા મફત મળશે, પણ ગુજરાત સરકારના મફત નહિ મળે, કારણ કે દુકાનદારો પાસે ચલણ ભરાવાનું ચાલુ છે.

બીજી બાજુ દુકાનદારોએ ઉમેર્યુ હતુ કે અમને પરમીટ ઉપાડવાનુ કહ્યુ છે અને તે પ્રમાણે પૈસા ભરાઈ રહ્યા છે. હાલ અમારી પાસે ઘઉં-ચોખાનો ફુલ સ્ટોક છે.

દરમિયાન દુકાનદારોએ એવો નિર્દેશ આપ્યો હતો કે, આ વખતે અમારી પાસે ચલણ ભરાવાનું શરૂ કરાયું હોય, ગુજરાત સરકાર હવે મફત અનાજ નહિ આપે તેવુ સમજાય રહ્યું છે. તેમજ જૂન મહિનામાં તો નહોતુ અપાયું હવે જુલાઈ મહિનામાં પણ એપીએલ-૧ કાર્ડ ધારકોને અનાજ નહિ મળે. આથી એપીએલ-૧ કાર્ડ ધારકોને દુકાને નહિ આવવા તેમણે અપીલ કરી છે.

દરમિયાન ડીએસઓનો સંપર્ક કરતા તેમણે 'અકિલા'ને જણાવેલ કે જુલાઈ મહિનામાં કાર્ડ ધારકોને કયારે અનાજ આપવું હજુ ફાઈનલ થયુ નથી, એવી કોઈ સૂચના નથી. તેમજ એપીએલ-૧ કાર્ડધારકો અંગે પણ કોઈ સૂચના નથી. હાલ અમે દુકાનદારો પાસે ચલણ ભરાવી રહ્યા છીએ.

(3:12 pm IST)