Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

દેશમાં પહેલીવાર સુરતમાં લગ્નની વાડીમાં કોવીડ સેન્ટર ઉભું કરાયુ કતારગામની પાટીદાર સમાજની વાડીમાં 78 બેડની સુવિધા કરાઈ

તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો: સુવિધા ઉભી કરી નાખી

સુરત : દેશમાં પ્રથમવાર લગ્નની વાડીમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું હોય તેવું સુરતમાં પહેલીવાર બન્યું છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ પાટીદાર સમાજની વાડીમાં 78 બેડનું કોવિડ સેન્ટર ઉભુ કરવામા આવ્યું છે. તેમજ અહીં તમામ પ્રકારની સુવિધા ઊભી કરાઈ છે. તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ત્યારે હવે કતારગામના કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓને અહી લાવવામાં આવશે.

 

સુરતનું કતારગામ કોરોનાનું એપિ સેન્ટર બની ગયું છે. અહી કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે.આ વિસ્તારમાં 2 કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ કેસનો આંક વટાવી જતા હવે પાટીદાર સમાજની વાડીમા કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે.

સુરતના મેયર ડો.જગદીશ પટેલના સમાજની આ વાડી છે. તેઓ આ વાડીમાં ટ્રસ્ટી પણ છે. તેથી તેઓએ લગ્નની આ વાડીને કોવિડ સેન્ટર તરીકે ઉભા કરવાની વાત વાડીના અન્ય ટ્રસ્ટીઓ સામે મૂકી હતી. જેથી તમામે સર્વાનુમતે હા પાડતા અહી કોવિડ સેન્ટર ઉભું કરાયું છે.

પાલિકા દ્વારા અહી 78 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. પાલિકાની આરોગ્ય વિભાગની એક ટીમ અહી તૈનાત રહેશે. કતારગામમાં કોરોનાના લક્ષણો દેખાતા દર્દીઓને અહી લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દેશનો આ પહેલો એવો કિસ્સો છે, જ્યાં લગ્નની વાડીમાં કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું હોય. આ અગાઉ પણ સિવિલ હોસ્પિટલના મલ્ટીલેવલ પાર્કિંગમાં કોવિડ સેન્ટર ઉભું કરવામા આવ્યું હતું.

(1:19 pm IST)