Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

વડોદરા :પાણી માટે ડે.મ્યુનિ, કમિશ્નરના પગ પકડ્યા : ચાર મહિનાથી પીવાનું પાણી નહિ મળતા રહીશોનો હલ્લાબોલ

વડોદરા શહેરનાં મુંજમહુડા વિસ્તારમાં આવેલા હનુમાનનગરમાં છેલ્લા ચાર માસથી પીવાનું પાણી નહિ મળતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. આ સમસ્યાને લઈને સ્થાનિક લોકોએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. લોકોએ અનોખી રીતે રજૂઆત કરી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના પગ પકડીને પાણી માટે ભીખ માંગી હતી. આ સાથે રહીશોએ તેઓની કચેરીમાં માટલા ફોડી પાણી આપો..પાણી આપો..તેવા સુત્રોચ્ચારો કરતાં દોડધામ મચી હતી.
  શહેરના મુંજમહુડા વિસ્તારમાં આવેલા હનુમાનનગરમાં છેલ્લા ચાર માસથી પીવાનું પાણી આવતું નથી. રહીશો દ્વારા અનેક વખત સ્થાનિક કાઉન્સિલર અને વોર્ડ ઓફિસમાં લેખિત તથા મૌખિક રજૂઆત કરી હતી. ભર ચોમાસામાં પણ હનુમાનનગરના રહીશોને પીવાનું પાણી ન મળતા લોકોમાં કોર્પોરેશન સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. દરમિયાન આજે સ્થાનિક યુવાન પ્રકાશ ધાકરની આગેવાની હેઠળ 50થી વધુ મહિલાઓ અને પુરૂષો વોર્ડ નંબર-6ની ઓફિસે માટલા લઇને પહોંચી ગયા હતા. વોર્ડ ઓફિસમાં કોઇ આવ્યું ન હોવાથી રહીશોએ વોર્ડ ઓફિસની પાછળ આવેલી પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજમુદારની ઓફિસમાં ધસી ગયા હતા. જ્યાં તેમનાં પગ પકડીના પાણી માટે ભીખ માંગી હતી.

(8:24 pm IST)