Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

રિક્ષાચાલકની ટોઇંગ સ્ટેશનમાં જઇ કોન્સ્ટેબલ સાથે મારામારી

હેડ કોન્સ્ટેબલે રિક્ષાચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી : લાઇસન્સ નહી હોવાથી રિક્ષાચાલકનું વાહન ડિટેઇન કરતાં રિક્ષાચાલકે ટોઇંગ સ્ટેશને જઇને ભારે હોબાળો મચાવ્યો

અમદાવાદ,તા.૩ : શહેરમાં ટ્રાફિક પોલીસ અને વાહનચાલકો વચ્ચે મારામારી થઇ હોવાના અનેક કિસ્સા અવારનવાર બની રહ્યા છે ત્યારે ગઇ કાલે વધુ એક કિસ્સો દાણીલીમડામાં બન્યો છે. જેમાં લાઇસન્સ વગર રિક્ષા ચલાવતાં રિક્ષાચાલકની રિક્ષા ડિટેઇન કરવામાં આવતાં ઉશ્કેરાયેલા રિક્ષાચાલકે ટોઇંગ સ્ટેશન પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો અને હેડ કોન્સ્ટેબલ સાથે મારામારી કરી હતી. આ બનાવ અંગે હેડ કોન્સ્ટેબલે આરોપી રિક્ષાચાલક વિરૂધ્ધ દાણીલીમડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શહેરના 'કે' ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિક્રમસિંહ ડાહ્યાભાઇએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં કાલુભાઇ ફારૂખભાઇ શેખ નામના રિક્ષાચાલક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે ગઇ કાલે હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ, પોલીસ કોન્સ્ટેબલ જોરાવરસિંહ સહિતના પોલીસ કર્મચારીઓ જાહેર રોડ પર મોટર વિહિકલ એક્ટનો ભંગ કરનાર વાહનચાલકોને મેમો આપીને કાયદેસરની કાર્યવાહી કરતા હતા. ત્યારે જુહાપુરા વિસ્તારમાં આવેલ ગુલમહોર સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષીય કાલુભાઇ ફારૂખભાઇ શેખ તેમની રિક્ષામાં વધુ પેસેન્જર ભરીને દાણીલીમડાથી પસાર થતા હતા. રિક્ષામાં વધુ પેસેન્જર જોઇને વિક્રમસિંહે કાલુભાઇને રોક્યા હતા. કાલુભાઇ લાઇસન્સ વગર  રિક્ષા ચલાવતા હોવાથી પોલીસે તેમની  રિક્ષા ડીટેઇન કરી હતી અને ટોઇંગ સ્ટેશનમાં મૂકવા માટે ગયા હતા.

દરમિયાનમાં કાલુભાઇ શેખ ટોઇંગ સ્ટેશન પર પહોંચી ગયા હતા અને તમામ પોલીસ કર્મચારીઓ સાથે દાદાગીરી કરીને તમે મારી  રિક્ષા કેમ ડીટેઇન કરી છે તેમ કહીને વિક્રમસિંહનું ગળું પકડીને મારામારી કરવા લાગ્યા હતા. આ ઘટના જોઇને ટોઇંગ સ્ટેશનમાં રહેલા તમામ પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા અને કાલુભાઇને પકડી પાડ્યા હતા. સરકારી કામમાં રુકાવટ કરીને પોલીસ કર્મચારી સાથે મારામારી કરવાના કેસમાં દાણીલીમડા પોલીસે કાલુભાઇ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી.

(8:18 pm IST)