Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ડોલર એક્ષ્ચેન્જ બહાને ૧.૬૩ લાખની છેતરપિંડીથી ચકચાર

એલિસબ્રીજ પોલીસની ફરિયાદ નોંધી તપાસ : ઠગાઈ કરી ગઠિયો ફરાર : કરન્સી એક્ષ્ચેન્જનો વ્યવસાય કરતી વ્યકિતને સિફતતાપૂર્વક ઠગાઇનો ભોગ બનાવાઇ

અમદાવાદ,તા. ૩ : વિદેશી કરન્સી એક્સચેન્જ કરી આપતી વ્યક્તિને ડોલર એક્સચેન્જ કરાવવાના બહાને એક ગઠિયાએ શહેરના એલિસબ્રિજ વિસ્તારની હોટલ ઓકલેન્ડમાં બોલાવી રૂ.૧.૬૩ લાખનો ચુનો લગાવી ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ હતી. ઠગાઇના આ બનાવ અંગે એલિસબ્રીજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વેજલપુર વિસ્તારમાં આવેલા વિનસ પાર્ક લેન્ડ ફ્લેટમાં બ્રૂગેશ વ્યાસ (ઉ.વ.૪૦) રહે છે. તેઓ વિજય ચાર રસ્તા પાસે આવેલા રાજા કોમ્પ્લેક્સમાં ફિનવેવ ફોરેક્સ પ્રાઇવેટના નામે કરન્સી એક્સચેન્જનો વ્યવસાય કરે છે. તા.૩૦ એપ્રિલના રોજ સાંજે બ્રૂગેશભાઈના ફોન પર અજાણ્યા નંબર પરથી અભિષેક નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે બ્રૂગેશભાઈને જણાવ્યું હતું કે તમારો નંબર જસ્ટ ડાયલમાંથી મળ્યો છે અને હું એલિસબ્રિજની હોટલ ઓકલેન્ડમાં નોકરી કરું છું. હોટેલમાં ફોરેનના ગેસ્ટ આવેલા છે તેઓને ૫૦૦ ડોલર ભારતીય ચલણમાં એક્સચેન્જ કરવા છે. જેથી બ્રૂગેશભાઈની ઓફિસમાં કામ કરતા સમીરભાઈ હોટલ પર ગયા હતા જ્યાં હોટલના કોન્ફરન્સ રૂમમાં તેઓએ ડોલરના બદલે ભારતીય ચલણ બદલી આપ્યું હતું. વિશ્વાસમાં આવી જતાં અભિષેકે સાંજે છ વાગ્યે ફોન કરી બીજા ૨૫૦૦ ડોલર એક્સચેન્જની વાત કરી હતી. ૨૫૦૦ ડોલરના રૂ.૧.૬૩ લાખ લઇ હાર્દિલભાઈ સાંજે હોટલ પર ગયા હતા. હોટલના કોન્ફરન્સ રૂમમાં હાર્દિલભાઈ પાસેથી રૂ.૧.૬૩ લાખ લઈ અભિષેકે જણાવ્યું હતું કે ઉપરના રૂમમાં ગેસ્ટ પાસેથી ડોલર અને જરૂરી પુરાવા લઈને આવું છું. સમય વીતવા છતાં અભિષેક ન આવતાં હાર્દિલભાઈએ તેના ફોન પર ફોન કરતા ફોન બંધ આવતો હતો. હોટેલમાં મેનેજરને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે અભિષેક હોટલમાં નોકરી નથી કરતો પરંતુ હોટલમાં કોન્ફરન્સ રૂમ બુક કરાવ્યો હતો અને કહ્યા વગર જતો રહ્યો છે. છેતરપિંડી થતા બ્રૂગેશભાઈએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાંપોલીસે ગુનો નોંધી આ ગઠિયાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે હોટલના સીસીટીવી ફુટેજના આધારે પણ તપાસ શરૂ કરી છે.

(8:18 pm IST)