Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ગેંગેરપ કેસ : પીડિતાનું કલમ ૧૬૪ મુજબનું નિવેદન નોંધાયું

પીડિતાએ મેજિસ્ટ્રેટ સમક્ષ આપવીતી જણાવી : લોખંડી સુરક્ષાના જાપ્તા વચ્ચે પીડિતાને મેટ્રો કોર્ટમાં રજૂ કરાઈ : નિવેદન નોંધવાની પ્રક્રિયાની કરાયેલ વિડિયોગ્રાફી

અમદાવાદ,તા. ૩ : શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતી યુવતીનું નહેરૂનગર સર્કલથી ઝાંસીની રાણીના પૂતળાના સર્વિસ રોડ પર સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરી તેણીની સાથે ચાલુ કારમાં જ વારંવાર બળાત્કાર ગુજારવાના અત્યંત ઘૃણાસ્પદ કેસમાં ભોગ બનનાર પીડિતાનું આજે આખરે શહેરની મેટ્રોપોલીટન કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસીની કલમ-૧૬૪ મુજબનું ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન નોંધવામાં આવ્યું હતું. જો કે, પીડિતાનું આ નિવેદન બંધબારણે અને ભારે સુરક્ષા વચ્ચે નોંધવામાં આવ્યું હતું. અલબત્ત, પીડિતાના ૧૬૪ના આ નિવેદનની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. પીડિતાની માંગણી મુજબ આજે આખરે તેનું કલમ-૧૬૪ મુજબ નિવેદન નોંધવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. સેટેલાઇટ ગેંગરેપ કેસમાં ભોગ બનનાર પીડિતાને લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આજે શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ  સમક્ષ કલમ-૧૬૪ હેઠળનું નિવેદન નોંધાવવા માટે લઇને પહોંચ્યા હતા. પીડિતાની આસપાસ મહિલા પોલીસ કર્મચારીઓનો લોખંડી જાપ્તો પણ રાખવામાં આવ્યો હતો. પીડિતાની સાથે અન્ય મોંઢે દુપટ્ટા રાખેલી યુવતીઓ પણ જોવા મળતી હતી, તે સાદા વેશમાં મહિલા પોલીસ જ હોવાનું મનાઇ રહ્યું હતું. દરમ્યાન મેજિસ્ટ્રેટ સમક્ષ પીડિતાનું બંધબારણે ક્રાઇમબ્રાંચના ઉચ્ચ મહિલા પોલીસ અધિકારીની હાજરીમાં નિવેદન નોંધવામાં આવ્યું હતું. આ સમગ્ર નિવેદનની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. લગભગ સવા કલાક સુધી પીડિતાએ પોતાનું નિવેદન નોંધાવી તેની સાથે જે કંઇ બન્યુ તેની આપવીતી મેજિસ્ટ્રેટ સમક્ષ એકદમ વિસ્તારપૂર્વક જણાવી હતી. પીડિતાની માંગણી મુજબ આખરે મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ-૧૬૪ મુજબનું નિવેદન નોંધાવવાની પ્રક્રિયા આખરે સંપન્ન કરવામાં આવી હતી. અગાઉ ક્રાઇમબ્રાંચે પીડિતાનું ૧૬૪નું નિવેદન નોંધવા માટે મેટ્રો કોર્ટમાં કરેલી અરજીમાં કોર્ટે તા.૧૦મી જૂલાઇની મુદત આપી હતી પરંતુ પીડિતાની માંગ અને ઉઠેલા વિવાદ બાદ ક્રાઇમબ્રાંચે નવી અરજી કરી મેટ્રો કોર્ટને મુદતની અવધિ ટૂંકી કરવા અને શકય એટલું ઝડપથી પીડિતાનું નિવેદન નોંધાય તેવી વિનંતી કરી હતી. જેને પગલે આજે મેજિસ્ટ્રેટ સમક્ષ પીડિતાનું નિવેદન નોંધવાની પ્રક્રિયા પૂર્ણ કરાઇ હતી.

ઉલ્લેખનીય છે કે, મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નહી નોંધાવાતાં અને ક્રાઇમબ્રાંચના ઉચ્ચ પોલીસ અધિકારી જે.કે.ભટ્ટના અભદ્ર વર્તન બાદ પીડિતાના પિતા દ્વારા હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી. અરજી કર્યાના ગણતરીના કલાકોમાં જ પીડિતાનું કલમ-૧૬૪ મુજબનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરાતાં અને સમગ્ર કેસની તપાસમાંથી જે.કે.ભટ્ટને હટાવી લેવાતાં પીડિતાના પિતાએ હાઇકોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી હતી. ત્યારબાદ પીડિતા આજે બપોરે ૩-૫૫ મિનિટે મેટ્રોપોલીટન કોર્ટમાં પોતાનું ૧૬૪નું નિવેદન નોંધાવવા આવી પહોંચી હતી. પીડિતા અને પોલીસ કોર્ટ પ્રાંગણમાં આવી ત્યારે વકીલો અને પક્ષકારોમાં આ કેસને લઇ ભારે ચર્ચા ચાલી હતી.

(8:17 pm IST)