Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

સુરતમાં 14 વર્ષની વિદ્યાર્થીની સાથે દુષ્‍કર્મઃ નરાધમ રિક્ષા ચાલકે પરીવારજનોને મારી નાખવાની અને મોબાઇલમાં ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી

સુરતઃ સુરતમાં રિક્ષા ચાલકે 14 વર્ષની વિદ્યાર્થીની સાથે દુષ્‍કર્મ આચરીને ખુનની ધમકી આપતા ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ, સુરતના વરાછા વિસ્તારમાં એક 14 વર્ષની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક રિક્ષા ચાલકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

ઘટનાને વીગતવાર જોઈએ તો, ફરિયાદ મુજબ સુરતના વરાછા વિસ્તારમાં રહેતી એક 14 વર્ષની વિદ્યાર્થીની રોજ એક રિક્ષામાં શાળાએ જતી હતી, આ રીક્ષાના ચાલકની વિદ્યાર્થી પર દાનત ખરાબ થઈ, તે રોજ વિદ્યાર્થીનીને શારીરિક અડપલા કરી હેરાન કરતો હતો અને ધમકી આપતો કે કોઈને કહીશ તો પરિવારને જાનથી મારી નાખીશ, ત્યારબાદ તેણે ધમકીઓ આપી વિદ્યાર્થીની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો, અને ધમકી આપી કે, પોલીસ કે કોઈને આ બાબતે કહીશ તો તારા ઘરના સભ્યોને જાનથી મારી નાખવામાં આવશે. તેણે વિદ્યાર્થીનીને મોબાઈલમાં ફોટા હોવાનું જણાવી સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દેવાની પણ ધમકી આપી હતી.

આખરે વિદ્યાર્થીનીએ હિંમત કરી આખી ઘટનાની જાણ પોતાના માતા-પિતાને કરતા આ મામલો બહાર આવ્યો. પરિવારે વરાછા પોલીલ સ્ટેશનમાં આ મુદ્દે ફરિયાદ નોંધાવ્યા બાદ નરાધમ રિક્ષાચાલક હિતેશ રાજુભાઈ સરસીયાને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતીમાન કર્યા છે. સાથે વિદ્યાર્થીનીના મેડિકલ ચેકઅપ માટેની પણ તજવીજ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

(5:37 pm IST)