Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

કલા મહાકુંભ : ત્રણેક લાખ કલાકારો ભાગ લેશે

૧૬ જુલાઇથી પ્રારંભઃ ૧૦મી સપ્ટેમ્બર સુધી ચાલશે : સમુહ લગ્નગીત સહિત સાત કૃતિઓનો ઉમેરો : ગયા વર્ષે ૩ વય જુથ હતા, આ વર્ષે ૪ ભાગ લેવા માટે તા. ૧૫ જુલાઇ સુધી નોંધણી :સચિવ વી.પી.પટેલના માર્ગદર્શન હેઠળ તૈયારી

ગાંધીનગર તા. ૩ : રાજયમાં કલા અને તેની સાથે જોડાયેલા કલાકારોને પ્રોત્સાહન આપી તેમની ઉત્તમ કલા- કૃતિઓને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાના હેતુથી રાજય સરકાર દ્વારા ગત વર્ષે ૨૦૧૭માં પ્રથમ વાર કલા મહાકુંભનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેને રાજયભરમાંથી અનેરો પ્રતિસાદ મળ્યો હતો. જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ કેટલાક નવીન ફેરફાર સાથે તા.૧૬ જુલાઇ થી તા. ૧૦ સપ્ટેમ્બર-૨૦૧૮ સુધી  કલા મહાકુંભ-૨૦૧૮ યોજવાનું રાજય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે ૨૨ કલાકૃત્તિઓ ઉપરાંત નવી વધુ  ૭ કૃત્તિઓ જેવીકે સમૂહ લગ્નગીત/ફટાણા, કુચિપુડી, સરોદ, સારંગી, જોડીયાપાવા, રાવણહથ્થો અને ભવાઇનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર સતિષ પટેલ (આઇ.એ.એસ.) જણાવે છે.

ઉપરાંત ગત વર્ષે કલા મહાકુંભમાં ત્રણ વય જૂથ હતા જયારે આ વર્ષે કુલ-ચાર વય જૂથ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ તેમજ ૬૦ વર્ષથી ઉપરનું વયજૂથ (સિનિયર સિટિઝન)નો સમાવેશ થાય છે. ૬૦ વર્ષથી ઉપરના વયજૂથની સ્પર્ધા માત્ર રાજય કક્ષાએ રહેશે, જેમાં ફકત વ્યકિતગત કૃતિઓનો સમાવેશ કરાશે.

વધુમાં કલા મહાકુંભ-૨૦૧૮માં ભાગ લેવા ઇચ્છુક કલાકારોએ તા.૧ જુલાઇથી ૧૫ જુલાઇ-૨૦૧૮ સુધીમાં ઓનલાઇન અથવા ઓફલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ ઉપરાંત તાલુકા કક્ષાની ઇવેન્ટ તા. ૧૬ થી ૨૨ જુલાઇ ૨૦૧૮, જિલ્લા કક્ષાની ઇવેન્ટ તા.૧૭ જુલાઇ થી તા. ૫ ઓગષ્ટ ,પ્રદેશ કક્ષાની ઇવેન્ટ તા.૦૮ ઓગષ્ટ થી તા. ૧૯ ઓગષ્ટ તેમજ રાજય કક્ષાની  ઇવેન્ટ તા. ૪ સપ્ટેમ્બર થી તા. ૧૦ સપ્ટેમ્બર-૨૦૧૮ સુધી યોજાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓનલાઇન રજીસ્ટ્રેશન તેમજ ઓફલાઇન રજિસ્ટ્રેશનનું ફોર્મ કલા મહાકુંભની વેબસાઇટ http://www. kalamahakumbhgujarat.  com ઉપર અથવા જિલ્લાની સંબંધિત કચેરીએથી મળી રહેશે તેમ પણ યાદીમાં વધુમાં જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ખેલ મહાકુંભમાં ગુજરાતના ૩ લાખ જેટલા કલાકારોએ ભાગ લીધો હતો. આ વર્ષે પણ એટલા અથવા એનાથી વધુ કલાકારો ભાગ લ્યે તેવી સરકારની ધારણા છે. યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના સચિવશ્રી વી.પી.પટેલ (આઇ.એ.એસ.)ના માર્ગદર્શન હેઠળ તૈયારી ચાલી રહી છે.(૨૧.૧૬)

 

(4:14 pm IST)