Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

અમદાવાદમાં મેઘમહેર જારી રહેતા વાતાવરણ ખુશનુમા થયું

નીચાણવાળા વિસ્તારોમાં ફરી પાણી ભરાયા : સમગ્ર દિવસ દરમ્યાન હળવાથી ભારે વરસાદના ઝાપટા ચાલુ રહ્યા : માર્ગો પર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા

અમદાવાદ, તા.૩ : અમદાવાદમાં આજે સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન રહ્યા હતા. શહેરના મોટાભાગના વિસ્તારોમાં સમગ્ર દિવસ દરમ્યાન વરસાદના હળવાથી ભારે ઝાપટાં ચાલુ રહ્યા હતા. ગઇકાલ સાંજથી ચાલુ થયેલો છૂટોછવાયો વરસાદ આજે પણ દિવસ દરમ્યાન ચાલુ રહ્યો હતો. શહેરમાં આજે મુખ્યત્વે વાદળછાયુ અને ઠંડકભર્યુ વાતાવરણ છવાતાં શહેરીજનોએ આહ્લાદક વાતાવરણનો અનુભવ કર્યો હતો. આજે પણ શહેરમાં હળવાથી ભારે વરસાદના કારણે શહેરના એસજી હાઇવે, વેજલપુર, જોધપુર, શિવરંજની, ગુરૂકુળ, મેમનગર, નારણપુરા, નવરંગપુરા, નરોડા, નારોલ, જમાલપુર, એલિસબ્રીજ, જશોદાનગર, હાટકેશ્વર, રામોલ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. આજે ચાલુ રહેલા વરસાદી ઝાપટાં અને ભરાયેલા પાણીના કારણે અમદાવાદના માર્ગો પર ટ્રાફિક ચક્કાજામ અને વાહનોની કતારના દ્રશ્યો સામાન્ય બન્યા હતા. શહેરમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે નાગરિકોએ વરસાદના હળવાથી ભારે ઝાપટાઓને લઇ વાતાવરણમાં ઠંડકનો અનુભવ કર્યો હતો અને ગરમી-ઉકળાટથી રાહત અનુભવી હતી. અમદાવાદમાં ગઇકાલે સાંજે પાંચેક વાગ્યા પછી અચાનક વાતાવરણમા પલ્ટો આવ્યો હતો અને ઠંડો પવન ફંુકાવાની સાથે જ ગાજવીજ સાથે શહેરના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ તૂટી પડયો હતો. વરસાદી ઝાપટાંઓના કારણે અમદાવાદ શહેરનું વાતાવરણ ઠંડું અને આહ્લાદક બની ગયું હતુ. ખાસ કરીને મેઘરાજાની બીજા રાઉન્ડની એન્ટ્રીને પગલે શહેરીજનોએ બાફ અને ઉકળાટમાંથી રાહત મેળવી હતી. બીજીબાજુ, બીજા રાઉન્ડના સામાન્ય અને હળવાથી ભારે વરસાદના ઝાપટાઓને લઇ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વ અને નીચાણવાળા વિસ્તારોમાં ખાસ્સા પાણી ભરાઇ ગયા હતા. પૂર્વ વિસ્તારની નીચાણવાળી કેટલીક સોસાયટીઓ અને દુકાનો-કોમ્પલેક્ષમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. આજના વરસાદના કારણે શહેરના એસ.જી હાઇવે, વેજલપુર, જોધપુર, શિવરંજની, વસ્ત્રાપુર, સેટેલાઇટ, નારણપુરા, નવરંગપુરા, વાસણા, મણિનગર, સીટીએમ, હાટકેશ્વર, મેઘાણીનગર, બાપુનગર, નરોડા, નારોલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. પાણી ભરાતાં નાગરિકો અને વાહનચાલકો પણ હાલાકીમાં મૂકાયા હતા.

અમદાવાદમાં સામાન્ય વરસાદે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓના પ્રિ-મોન્સુન એકશન પ્લાનની પોલ ફરી એકવાર ખુલ્લી પાડી દીધી હતી.  ખાસ કરીને પૂર્વના વિસ્તારમાં આટલા ઓછા વરસાદમાં પણ પાણી ભરાઇ જતાં સ્થાનિક રહીશોએ અમ્યુકો સત્તાવાળાઓ પરત્વે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને સત્તાધીશોના પ્રિ-મોન્સુન એકશન પ્લાનના દાવાની પોલ ખોલી નાંખી હતી. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં લોકો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં આજે વરસાદી પાણી ભરાઇ જવાના કારણે માર્ગો પર ટ્રાફિકજામ અને વાહન વ્યવહાર ખોરવાયાના અનેક દ્રશ્યો જોવા મળ્યા હતા.

(8:19 pm IST)