Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

સુરતમાં છ કલાકમાં પાંચ ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર

ચોર્યાસીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ : અનેક ભાગોમાં ચાર ઇંચ : ગુજરાતમાં ૧૦૮થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો : વેરાવળ, નવસારી, ઉંમરગામ, જલાલપુરમાં ચાર ઇંચથી વધુ વરસાદ : ભારે વરસાદની ચેતવણી

અમદાવાદ,તા.૩ : ગુજરાતમાં ચોમાસાની વરસાદી સીસ્ટમ સક્રિય બનતાં લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. જો કે, ભારે વરસાદના કારણે રાજ્યના જુદા જુદા ભાગોમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ હતી. જનજીવન ઉપર માઠી અસર થઇ હતી. ભારે વરસાદ હજુ પણ જારી રહે તેવી શક્યતા છે. સૌથી વધારે વરસાદ સુરતમાં થયો છે. કલાકોના ગાળામાં જ સુરતમાં ચારેબાજુ ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા હતા. સૌથી વધુ વરસાદ સુરતમાં પાંચ ઇંચ જેટલો નોંધાતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. સુરતમાં છેલ્લા છ કલાકમાં જ પાંચ ઇંચ જેટલા ભારે અને તોફાની વરસાદને પગલે સુરતમાંથી પસાર થતી પાંચ ખાડીઓમાં પાણીનું જળસ્તર ઘણુ વધી ગયુ હતું અને એક તબક્કે તે ભયજનક સપાટીએ પહોંચતા સુરતવાસીઓ ખાડી પૂરની દહેશતને લઇ ચિંતિત બન્યા હતા. ખાડીઓની ભયજનક સપાટીને લઇ સ્થાનિક જિલ્લા અને વહીવટી તંત્ર પણ એલર્ટ થઇ ગયું હતું. સુરતમાં માત્ર છ કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર સુરત અને આસપાસના વિસ્તારો જળબંબાકારમય બની ગયા હતા. નીચાણવાળા વિસ્તારો તો જાણે પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. આ વિસ્તારોમાં સોસાયટીઓ, દુકાનો અને કોમ્પેલક્ષોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો, લોકોના વાહનો અડધે સુધી પાણીમાં ડૂબી ગયા હતા. ભારે અને ધોધમાર વરસાદના કારણે સુરતનો ટ્રાફિક અને વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો. માર્ગો પર ઠેર-ઠેર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો જોવા મળતા હતા, તો કેટલાક નીચાણવાળા વિસ્તારો કે જયાં ઘૂંટણસમા પાણી ભરાતાં ત્યાં વાહનોની અવરજવર ઠપ્પ થઇ ગઇ હતી. માર્ગો પર ઠેર-ઠેર પાણી ભરાઈ જવાના કારણે કોલેજ સ્ટુડન્ટ અને નોકરીયાત વર્ગ પણ ફસાઈ ગયા હતા. વરાછામાં બરોડા પ્રિસ્ટેજ ખાતે આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જતા લોકો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. સુરતમાં ઓલપાડ, કામરેજ, કતાર ગામ, રાંદેર સહિતના પંથકોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. આ સાથે ઉકાઈ ડેમની સપાટી ૨૮૫.૧૩ પર સ્થિર રહી હતી. ઇનફ્લો બંધ થયો હતો, પરંતુ આઉટ ફ્લો ૬૦૦ ક્યુસેક સાથે યથાવત રહ્યો હતો. બીજીબાજુ, માત્ર છ કલાકમાં જ પાંચ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં સુરતમાંથી પસાર થતી પાંચ ખાડીઓમાં પાણીનું જળસ્તર નોંધપાત્ર રીતે વધ્યું હતું અને એક તબક્કે પાંચેય ખાડીઓમાં જળસપાટી ભયજનક સ્તરે પહોંચી ગઇ હતી, જેને લઇ તંત્રને તાત્કાલિક એલર્ટ કરી દેવાયું હતું. ખાસ કરીને કાકરા અને ભેદવાડ ખાડીઓ ભયજનક સપાટીથી ઉપર પહોંચી જતાં સુરતવાસીઓ ખાડી પૂરની દહેશતને લઇ ચિંતાતુર બન્યા હતા. કારણ કે, ભૂતકાળમાં સુરતમાં ખાડી પૂરના માઠા અનુભવો સુરતવાસીઓ વેઠી ચૂકયા છે, તેથી આ વખતે પણ તેવી સ્થિતિ ના સર્જાય તે માટે તંત્રએ અગમચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરી હતી. રાજ્યના જે વિસ્તારમાં ભારે વરસાદ થયો છે તેમાં સુરત શહેરમાં ચાર ઇંચ વરસાદ થયો છે. સુરતમાં ચોર્યાસી પંથકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ થયો છે. આ ઉપરાંત વિરામગામ, વેરાવળ, નવસારી, ઉંમરગામ, વાપી, જલાલપુરમાં ચાર ઇંચથી વધુ વરસાદ થયો છે.

ગુજરાતમાં તાપમાન

        અમદાવાદ, તા.૩ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થયો છે. ક્યાં કેટલો વરસાદ થયો છે તે નીચે મુજબ છે.

સ્થળ............................................ વરસાદ (ઇંચમાં)

સુરત શહેર......................................................... ૪

ચોર્યાસી.............................................................. ૫

વિરમગામ.......................................................... ૪

ઉના................................................................ ૩.૫

ધરમપુર............................................................. ૩

બારડોલી............................................................ ૩

વાપી.................................................................. ૪

રાજુલા................................................................ ૩

કામરેજ............................................................... ૪

જાફરાબાદ.......................................................... ૩

જલાલપુર........................................................... ૪

વેરાવળ.............................................................. ૫

નવસારી............................................................. ૪

પલસાણા............................................................ ૩

મહુવા................................................................. ૩

ઉંમરગામ       ૪

(8:20 pm IST)