Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

કેવી કમનશીબી!!: કેન્દ્ર -રાજય સરકારનાં ટ્રબલ શુટર આઇપીએસ પોતાની ટ્રબલ-શુટ ન કરી શકયાઃ કોણ જવાબદાર પનોતિ કે પછી બીજા પરિબળો ?

અમદાવાદ ગેંગરેપઃ ગુજરાતમાં ઘણું બધુ પ્રથમવાર બન્યું: સીઆઇડીને તપાસ સુપ્રત થાય તો નવાઇ નહિ : ફરીયાદી અને આરોપીના બંન્ને પરીવાર દ્વારા પ્રેસ કોન્ફરન્સઃ સામાન્ય રીતે તપાસ એજન્સી નાર્કોટેસ્ટની માંગણી કરે અને આરોપી વિરોધ કરે આ મામલામાંં આરોપી ગૌરવ મારૂએ સામેથી નાર્કોટેસ્ટ લાઇ ડીટેકટ ટેસ્ટની માંગણી કરી

રાજકોટ, તા., ૩: ગુજરાતના ઇતિહાસમાં  સર્વ પ્રથમ વખત ગેંગરેપ જેવા ગંભીર પ્રકારનાં કિસ્સામાં અનોખી ઘટના ઘટી રહી છે. ફરીયાદીને જેમની તપાસનુ સુપરવીઝન સુપ્રત કરાયું છે તેમના પર વિશ્વાસ નથી તેવું જણાવી હાઇકોર્ટનો આશરો લેવો પડયો.

વાત આટલેથી જ અટકતી નથી ફરીયાદીના પરિવારે પ્રેસ કોન્ફરન્સ કરી ક્રાઇમ બ્રાન્ચના કર્તા હર્તા સમા હર્તા જેવા જયેશભાઇ કાંતીભાઇ ભટ્ટ સામે ગંભીર પ્રકારના આરોપો લગાવવા સાથે આરોપીઓ રાજકીય વગ ધરાવતા હોવાથી તેમને બચાવવા માટે એફઆઇઆર બદલાવા સાથે તેમને અણછાજતા  પ્રશ્નો પુછી રહયાનો ઘટસ્ફોટ કરતા જ સન્નાટો મચી ગયો છે. જો કે જે.કે.ભટ્ટને નજીકથી જાણતા લોકો કહે છે કે જે.કે.ભટ્ટ એક પીઢ અને અનુભવી પોલીસ ઓફીસર છે. અદાલતમાં એફઆઇઆર ટકે તેવી ન હોવાથી પીડીત મહીલાને મહિલા ઓફીસરોની હાજરીમાં જ પ્રશ્નો પુછયા હતા. જો કે પીડીતાએ ભાર પુર્વક આ વાતનું ખંડન કરી પોતાને  જે.કે.ભટ્ટ દ્વારા ધમકાવ્યાના આરોપ મુકયા છે.

આ પ્રકરણમાં અન્ય એક નવી વાત એ બની કે રાજય પોલીસ તંત્રમાં કાર્યદક્ષ નિષ્ઠાવાન અને સ્વચ્છ છબી ધરાવતા પોષ્ટીંગના મોહ વગરના અમદાવાદના પોલીસ કમિશ્નર એ.કે.સિંઘે જે રીતે ક્રાઇમ બ્રાન્ચના બચાવમાં ઉતરવું પડયું અને જે કાંઇ વાતો જણાવી અને આરોપીઓએ તે વાતોનો બચાવમાં ઉપયોગ કરતા તેઓની સામે પણ અખબારોએ આંગળી ચીંધી.

રાજકોટ રૂરલ ગોધરા સહિત રેલ્વે અને વિવિધ રેન્જો પોષ્ટીંગ મેળવનાર જે.કે.ભટ્ટ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહની ગુડસ બુકમાં છે. કેન્દ્રીય કે રાજયની નેતાગીરી મુશ્કેલી મુકાઇ ત્યારે ટ્રબલ શુટર તરીકે જે.કે.ભટ્ટે હંમેશા ભૂમિકા ભજવી છે. નવાઇની વાત એ છે કે ખુદ ટ્રબલ શુટર પોતાની ટ્રબલને શુટ કરી શકયા નથી. આ માટે જયોતિષનું બહોળું જ્ઞાન ધરાવતા લોકો એવું માને છે કે મકર રાશીને જે પનોતી ચાલે છે અને જયેશભાઇ ભટ્ટ મકર રાશીના હોવાથી સાડા સાતીનો ભોગ બન્યા છે. બીજી તરફ આઇપીએસનો એક મોટો સમુહ તેમને સરકારમાં જે રીતે માન-પાન મળે છે તેનાથી રાજી નથી. અનુભવીઓના કથન મુજબ આવા ચોક્કસ આઇપીએસ અને આઇએએસ અધિકારીઓએ જ સરકારને જે.કે.ભટ્ટને હટાવી લેવા સુચવ્યું હતું.  આમ તો જે.કે.ભટ્ટે સામેથી જ તપાસમાંથી હટી જવા માંગણી કર્યાનું ખુદ પોલીસ કમિશ્નર જણાવે છે.

મૂળ લીંબડી પંથકના પણ ભુલથી સર્વિસ બુકમાં જેમનું જન્મસ્થળ અમદાવાદ લખાયેલ છે તેવા જે.કે.ભટ્ટના પિતા કાંતીભાઇ ભટ્ટ પણ એક પ્રભાવશાળી પોલીસ ઓફીસર હતા.  ખાતામાં અને લોકોમાં તેમનું ખુબ માન હતું. ગુન્હેગારો તેમની હદમાં ગુન્હો કરવાથી દુર રહેતા.

અમદાવાદની ગેંગરેપની ઘટનાના ર૪ કલાકમાં પીડીતાનું મેજીસ્ટ્રેટ સમક્ષ ૧૬૪ મુજબ નિવેદન લેવાવું જોઇએ એવો સુપ્રિમ કોર્ટનો આદેશ છે. જેનો ભંગ થયાની અદાલતમાં પીડીતાએ રજુઆત કરી છે. આવુ પણ અનુભવી અધિકારીઓની તપાસમાં પ્રથમ વખત બન્યું છે. જો કે પોલીસ કમિશ્નરે મેજીસ્ટ્રેટને નિવેદન લેવા માટે અરજી આપ્યાની સ્પષ્ટતા કરી છે. નિષ્ઠાવાન અધિકારીઓની છાપ ધરાવતા અધિકારીઓની તપાસમાં વિશ્વાસ ન હોવાનું જણાવી તપાસ એજન્સી બદલવાની માંગ કરવામાં આવી છે.  એક શકયતા એવી છે કે હાઇકોર્ટે આ બાબત ગંભીરતાથી લીધી હોવાથી તપાસ ભલે સીબીઆઇને ન સુપ્રત થાય પરંતુ આશીષ ભાટીયાના માર્ગદર્શનમાં સીઆઇડીને તપાસ સુપ્રત કરવામાં આવે તો પણ નવાઇ નહિ.

આ પ્રકરણના આરોપી ગૌરવ મારૂ કે જે સાવ ગાય જેવો હોવાનું કહયાનું પીડીતાએ જે.કે.ભટ્ટ પર આરોપ મુકયો છે. તેવા આ ગૌરવે ૩૬ કલાક અટકાયત બાદ મુકત થયા પછી પોતાના એડવોકેટ સાથે મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચી સામેથી અરજી આપી નાર્કોટેસ્ટ અને લાઇ ડીટેકશન માટે માંગણી કરી છે. સામાન્ય રીતે તપાસ એજન્સીઓ આવી માંગણી કરતા હોય છે અને આરોપીઓ આનો વિરોધ કરતા હોય છે. પરંતુ આ કેસમાં જુદું જ બની રહયું છે. આમ આ ગેંગરેપના મામલામાં ગુજરાતના ઇતિહાસમાં ન બન્યા હોય તેવા નવા વળાંકો સાથે ભુતકાળમાં કયારે પણ ન બન્યું હોય તેવું બની રહયાનું અનુભવી અને જાણકાર પોલીસ ઓફીસરોનું માનવું છે.

(4:03 pm IST)