Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

સુરત - નવસારીમાં ધોધમાર ૩ ઇંચ : દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ

વલસાડ, ઓલપાડ, તાપી, ચોયાર્સી સહિત વિસ્તારોમાં ૨ ઇંચ પાણી ભરાતા જનજીવનને અસર : બપોરે ૨ કલાકે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છવાયા ઘટાટોપ વાદળો

રાજકોટ, તા., ૩: છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાત રાજયમાં મેઘાવી માહોલ રંગ પકડી રહયો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં  પણ કયાક ધીમો તો કયાંક ધોધમાર વરસાદ પડી રહયો છે.

સુરતમાં ગત રાત્રીના ઝાપટા પડયા હતા બાદ વહેલી સવારે પાંચ કલાકથી મેઘરાજા મન મુકીને ધોધમાર વરસ્યા હતા જે સવારે ૯ કલાક સુધી વરસાદ ચાલુ હતો.

આ લખાઇ છે ત્યારે બપોરે ચાલુ જ છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઘટાટોપ વાદળો છવાયા છે. કયાંક ધોધમાર તો કયાંક હળવો વરસાદ વરસી રહ્યો છે.

સુરતના વરાછા, પીપળજ, અડાલજ, રાંદેર, કતારગામ, અઠવાલાઇન, મજુર ગેટ, અટોદરા અને વેલુ વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે. જનજીવનને પણ અસર થઇ હતી. સુરત અને નવસારી આસપાસના વિસ્તારમાં અઢીથી ત્રણ ઇંચ જેવો વરસાદ નોંધાયો છે.

સુરત - નવસારીમાં ૩ ઇંચ તો બારડોલી, વલસાડ, ઓલપાડ, તાપી, ચોયાર્સી સહિતના વિસ્તારોમાં તો પાણી ભરાતા જનજીવનને અસર થઇ છે.

સુરતમાં મંગળવારે સવારથી જ વરસાદનું આગમન થયું હતું. સતત બે કલાક સુધી એકધારો વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસવાના કારણે પૂણા ગામ સહિતના અનેક વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાયં હતાં. જેના કારણે સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી.

  હાલમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જયારે રોડ પર ઠેર-ઠેર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો ફસાઈ ગયા છે.

વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદની સાથે સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.  સુરત શહેરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જયારે રોડ પર ઠેર-ઠેર પાણી ભરાઈ જવાના કારણે કોલેજ સ્ટુડન્ટ અને નોકરિયાત વર્ગ ફસાઈ ગયા છે. વરાછામાં બરોડા પ્રિસ્ટેજ ખાતે આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરત જિલ્લામાં સૌથી વધારે વરસાદ ઓલપાડમાં ૨૧ મી.મી. અને સૌથી ઓછો કામરેજમાં ૨ મી.મી. પડ્યો હતો. જેની સામે શહેરમાં પણ સૌથી વધારે વરસાદ સેન્ટ્રલ અને રાંદેરમાં  પડ્યો છે. જયારે સૌથી ઓછો કતારમાં પડ્યો છે. આ સાથે ઉકાઈ ડેમની સપાટી ૨૮૫.૧૩ પર સ્થિર રહી હતી. ઇનફલો બંધ થયો હતો, પરંતુ આઉટ ફલો ૬૦૦ કયુસેક સાથે યથાવત રહ્યો છે.

બે કલાકના વરસાદના આંકડામાં  સેન્ટ્રલ- ૫૨ મીમી, વરાછા- ૨૮ મીમી, રાંદેર- ૫૧ મીમી, કતારગામ- ૧૨ મીમી, ઉધના- ૧૪ મીમી, લિંબાયત- ૪૩ મીમી, અઠવા- ૪૫ મીમી નોંધાયો છે.(૨૧.૨૫)

(4:05 pm IST)