Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

નશા માટે ઉપયોગમાં લેવાતી કફ સીરપનો જથ્થો જપ્ત થયો

૪૭ લાખથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યોઃ અમદાવાદ, સાણંદ, પાટણ સહિતના સ્થળોએ કાર્યવાહી કરાઈ : નશા માટે વપરાતી કફ સીરપ સાથે ત્રણ ઝડપાયા

અમદાવાદ,તા. ૨: એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો) અને એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ)ની જુદી જુદી ટીમોએ આજે અમદાવાદ, સાણંદ, પાટણ સહિતના સ્થળોએ સંયુકત ઓપરેશન હાથ ધરી રૂ.૪૭ લાખની કિંમતની નશા માટે વપરાતી કફ સીરપની બોટલોનો મોટો જથ્થો જપ્ત કરી સપાટો બોલાવ્યો હતો. એનસીબીના અધિકારીઓએ આ સમગ્ર કૌભાંડમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી આ સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. સમાજમાં આજનું યુવાધન નશાના રવાડે ચઢ્યું છે. નશાની ચીજવસ્તુઓ ના મળતાં વિવિધ પદ્ધતિ દ્વારા નશો કરવાની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે. ગુજરાતમાં પ્રતિબંધિત દારૂ અને ડ્રગ્સ નહીં મળતાં હવે યુવાધને દવાની દુકાને આસાનીથી મળી જતી કફ સિરપ અને દવાઓથી નશો કરવા માટેનો રસ્તો અપનાવી લીધો છે. આ અંગે મળેલી ચોકક્સ બાતમીના આધારે,  એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો) અને એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ)ની જુદી જુદી ટીમના અધિકારીઓ અમદાવાદ, સાણંદ અને પાટણ સહિતના સ્થળોએ સંયુકત ઓપરેશન હાથ ધરી દરોડા પાડયા હતા અને દવાની દુકાનોમાં આસાનીથી વેચાતી કફ સિરપનો મોટા જથ્થો જપ્ત કર્યો હતો. એનસીબીની ટીમે રૂ.૪૭ લાખ ની કિંમતની ૪૨ હજાર કફ સિરપની બોટલો જપ્ત કરી હતી. જેમાં અફીણનું પ્રમાણ વધારે હોવાનું માલૂમ પડયું હતું. આ કફ સીરપનો ઉપયોગ યુવાધન નશા માટે કરતા હોવાની વ્યાપક ફરિયાદ એનસીબી અને એફડીએને મળતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસમાં એવી હકીકત પણ સામે આવી હતી કે, કોડેઇનવાળી અને નશા માટે ઉપયોગમાં લેવાતી આવી કફ સીરપની પાંચ હજાર બોટલ ગુજરાત બહારથી મંગાવવામાં આવી હતી. એનસીબી અને એફડીએ ચોક્કસ બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન પાર પાડીને દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી અને આ સમગ્ર કૌભાંડમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. એનસીબી દ્વારા સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ ચાલુ રાખવામાં આવી છે. જેમાં નેટવર્કના મૂળ સુધી પહોંચવાની દિશામાં તપાસ આરંભાઇ છે.

(9:49 pm IST)